મોરબીથી ચાચાવદરડા ગામે દર્શને જતા પરિવારને માળીયા ફાટક નજીકના ઓવરબ્રિજ પાસે અકસ્માત નડ્યો હતો, જે અકસ્માતમાં માતા-પિતાની નજર સમક્ષ ૭ વર્ષીય પુત્રીનું મૃત્યુ નીપજ્યું હતું. ટ્રક ચાલકે બેદરકારી પૂર્વક પોતાનું વાહન ચલાવી, પુરપાટ ઝડપે બાઈકનો ઓવરટેક કરી બાઇકના હેન્ડલ સાથે ટ્રક અથડાતા બાઇક સવાર પરિવાર રોડ ઉપર પટકાયો હતો, જેમાં માસુમ બાળકી ટ્રકના પાછળના બંને વ્હીલમાં આવી જતા, તેને માથામાં ગંભીર ઇજાઓ પહોચતા તેનું સ્થળ ઉપર મૃત્યુ નીપજ્યું હતું જ્યારે બાઇક સવાર માતા-પિતાને નાના-મોટી ઇજાઓ પહોંચી હતી. દુર્ઘટના સર્જી ટ્રક ચાલક પોતાનું વાહન સ્થળ ઉપરથી લઈને નાસી ગયો હતો.
હિટ એન્ડ રન અકસ્માતની મળતી માહિતી અનુસાર, મોરબી-૨ વેજીટેબલ રોડ ઉપર રહેતા પિન્ટુભાઈ ચનાભાઈ પરમાર ઉવ.૨૬ એ સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ટ્રક રજી.નં. જીજે-૩૭-ટી-૬૯૯૦ ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે ગઈ તા.૦૨ એપ્રિલ ૨૦૨૫ ના રોજ પિન્ટુભાઈ, તેમના પત્ની અસ્મિતાબેન અને બન્ને દીકરીઓ આયુશી ૭ વર્ષ અને તેનાથી નાની પ્રિસા એમ બધા મોટર સાયકલ રજી.નં. જીજે-૩૬-ક્યુ-૩૭૭૦ લઈને માળીયા(મી) તાલુકાના ચાચાવદરડા ગામે સુરાપુરા દાદાના દર્શને જતા હોય તે દરમિયાન મોરબી-૨ માળીયા ફાટક નજીક ઓવર બ્રિજ પાસે ઉપરોક્ત રજી. નંબરના ટ્રકના ચાલકે પોતાનો ટ્રક ફૂલ સ્પીડમાં અને ગફલતભરી રીતે ચલાવી આવી ટ્રકે બાઈકનો ઓવરટેક કરી, પોતાનો ટ્રક એકદમ સાઈડમાં લેતા, બાઇકના હેન્ડલ સાથે ટ્રકની ઠોકર લાગી હતી, જેથી પિન્ટુભાઈ સહિત તેનો પરિવાર રોડ ઉપર પટકાતા, માસુમ આયુશી ટ્રકના પાછળના ટાયરમાં આવી ગઈ હતી, જેથી તેનું માથામાં ગંભીર ઇજાને કારણે મોટા નીપજ્યું હતું, જ્યારે પિન્ટુભાઈ અને તેમના પત્નીને નાના-મોટી ઇજાઓ પહોંચી હતી, જ્યારે અકસ્માત સર્જી ટ્રક ચાલક પોતાનો ટ્રક લઈને નાસી ગયો હતો. હાલ બી ડિવિઝન પોલીસે આરોપી અકસ્માત સર્જી નાસી ગયેલ ટ્રકના ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરીને તેને પકડી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.