મોરબી જિલ્લાના રામપરા અભયારણ્યની મુલાકાત વન પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરા દ્વારા મુલાકાત લેવામાં આવી હતી. રામપરા અભિયારણ્યની મુલાકાત દરમિયાન વિવિધ કામગીરી નિહાળી હતી. શે મંત્રીના હસ્તે ૧ વાઈલ્ડ લાઈફ રેસ્ક્યું વાન અને ૧૮ ફોરેસ્ટ બાઈકનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જેને કારણે કર્મચારીઓની કામગીરીમાં સરળતા આવશે.
મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકામાં સિંહોના સંવર્ધન માટેના રામપરા અભયારણ્યની વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરાએ મુલાકાત લીધી હતી. તે મુલાકાત દરમિયાન મંત્રીએ ૧ વાઈલ્ડ લાઈફ રેસ્કયું અને ૧૮ ફોરેસ્ટ બાઈકને ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવ્યું હતું. જે વાહનો થકી વન વિભાગના કર્મચારીઓની કામગીરીમાં સરળતા સાથે તેમની કાર્યક્ષમતામાં વધારો થશે. આ પ્રસંગે મંત્રીએ જણાવ્યું હતું કે આંબરડી, બરડા અને ગીર સહિતના સ્થળોની જેમ અહીં પણ સફારી પાર્કની શક્યતાઓ દેખાઈ રહી છે.
જેથી રામપરા અભ્યારણનો એ મુજબ તબક્કાવાર વિકાસ કરવામાં આવશે તે માટે પણ સરકાર વિચારણા કરી રહી છે. રામપરા અભયારણ્ય સહિત વન વિભાગના મોરબી ડિવિઝનની કામગીરીની મંત્રીએ સરહાના કરી હતી. વધુમાં મંત્રીએ જણાવ્યું હતું કે મિષ્ટી પ્રોજેક્ટ હેઠળ ચેરનું વધુ અને વધુ વાવેતર થાય તે માટે ડબલ ટાર્ગેટ સાથે કામગીરી કરવામાં આવે એ પ્રકારનું આયોજન સરકાર અમલમાં મુકવા જઈ રહી છે. રામપર અભયારણ્ય ખાતે સિંહોના બ્રીડીંગ સેન્ટર અને સંવર્ધન કેન્દ્ર તથા અન્ય વન્ય જીવોના સંવર્ધન સ્થળોની મુલાકાત કરી તેનું નિરીક્ષણ કર્યું હતું. ત્યારે રાજ્યસભાના સાંસદ કેશરીદેવસિંહ ઝાલાએ મંત્રીને મોરબી જિલ્લાની વન વિસ્તાર, વન્ય સંપદા તથા જૈવ વિવિધતા વિશે વિગતે વાત કરી હતી. તેમજ મોરબી નાયબ વન સંરક્ષક ચિરાગ અમીને પ્રેઝન્ટેશનના માધ્યમથી મંત્રીને મોરબી ડિવિઝન તેમજ રામપરા અભયારણ્યમાં કરવામાં આવતી વિવિધ વન સંપદા સંવર્ધન અને વન્યજીવોના સરક્ષણ માટેની કામગીરી વિશે માહિતગાર કર્યા હતા. જે પ્રસંગમાં મંત્રી સાથે રાજકીય અગ્રણી જેઠાભાઈ મીયાત્રા, વાંકાનેર પ્રાંત અધિકારી વિપુલ સાકરીયા, મામલતદાર કે.વી. સાનિયા, વન વિભાગના અધિકારી અને કર્મચારીઓ જોડાયા હતા.