મૃત્યુ પછી પણ માનવસેવાનું કાર્ય કરીને વિજયાબેન બાવરવા જીવંત રહી ગયા.
મોરબી શહેરમાં અવની ચોકડી નજીક રહેતા વિજયાબેન અમૃતલાલ બાવરવાએ પોતાનું જીવન પૂર્ણ થયા બાદ પણ માનવસેવાનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું છે. તેઓએ જીવન દરમ્યાન દેહદાનની ઈચ્છા વ્યક્ત કરી હતી, જેના અનુસંધાને તેમના નિધન પછી પરિવારજનો દ્વારા મોરબી મેડિકલ કોલેજમાં દેહદાન કરવામાં આવ્યું છે.
મોરબી શહેરના અવની ચોકડી નજીક ગંગોત્રી ટાવર-૪૦૧માં વસવાટ કરતા તથા મૂળ વાઘપર ગામના વતની વિજયાબેન અમૃતલાલ બાવરવાનું તા.૨૮ એપ્રિલ, ૨૦૨૫ના રોજ નિધન થયું હતું. વિજયાબેન જ્યારે જીવિત હતાં ત્યારે જ તેમણે અને તેમના પતિ અમૃતલાલ કાનજીભાઈ બાવરવાએ એમ બંનેએ દેહદાન માટે પોતાની ઇચ્છા પરિવારજનો સામે વ્યક્ત કરી હતી કે, તેમના અવસાન પછી તેમના પાર્થિવ દેહનું દેહદાન કરવામાં આવે. ત્યારે માતા-પિતાના આ માનવીય સંકલ્પથી પ્રેરાઈ તેમના પુત્ર યોગેશભાઈ અને પરેશભાઈએ મોરબી મેડિકલ કોલેજનો સંપર્ક કરી તાત્કાલિક રીતે માતા-પિતાના દેહદાનની પ્રક્રિયા પૂર્ણ કરી હતી. તેઓએ દેહદાન માટે જરૂરી કાગળો જીવનકાળમાં જ તૈયાર કરાવ્યા હતા અને પરિવારજનો સાથે સંકલ્પ-પત્ર ભરાવી મોરબી મેડિકલ કોલેજમાં આપ્યા હતા.
વિજયાબેનનું દેહદાન લોકો માટે પણ પ્રેરણારૂપ બનશે અને મેડિકલ ક્ષેત્રે શિક્ષણ લઈ રહેલા વિદ્યાર્થીઓને શારીરિક સંરચના સમજવા ઉપયોગી થતું એક અગત્યનું અંગદાન મળી રહેશે. અંતે એમ કહી શકાય કે, વિજયાબેન મૃત્યુ પછી પણ જીવંત રહી માનવસેવાનો અનોખો સંદેશ આપી ગયા છે. તેમના પવિત્ર સંકલ્પને સમગ્ર મોરબી સમુદાય શ્રદ્ધાંજલિ અર્પે છે.