રાજકોટમાં અભ્યાસ કરતાં કિશનની ખાખરાળા ગામે આવ્યા બાદ હત્યા.
મોરબી તાલુકાના ખાખરાળા ગામમાં ૨૧ વર્ષીય યુવાન કિશન કરોતરાની હત્યા કેસમાં વધુ ખુલાસો થયો છે. ગામના જ સાગર ઉર્ફે મુળુ ડાંગરે રાગદ્વેષ રાખી પહેલા બંદુક તાકી ફાયર કર્યું પણ બંદૂક ન ચાલી, બાદમાં છરીના પાંચ ઘા મારી મોતને ઘાટ ઉતાર્યો. પોલીસે હત્યા, આર્મ્સ એક્ટ, જીપી એક્ટની કલમો હેઠળ ગુનો નોંધી, આરોપીની અટક જારવા ચક્રો ગતિમાન કર્યા છે.
મોરબી જિલ્લામાં ખાખરાળા ગામના રબારીવાસમાં ૨૧ વર્ષના યુવાનની થયેલી હત્યા કેસમાં વધુ ચોંકાવનારા તથ્યો બહાર આવ્યા છે. કિશન જગદીશભાઈ કરોતરા નામના યુવાનને પોતાના જ ગામના સાગર ઉર્ફે મુળુ આયદાનભાઈ ડાંગરે કોઈ રાગદ્વેષના કારણે છરીના ઘા મારી હત્યા નિપજાવી હતી. ફરિયાદી જગદીશભાઈ કરોતરાએ પોલીસમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, તેઓના પુત્ર કિશનની હત્યા કરવા માટે પહેલા સાગર ઉર્ફે મુળુએ કિશન સામે બંદુક તાકી ફાયર કરવા પ્રયત્ન કર્યો હતો, પરંતુ બંદુકમાંથી ફાયરિંગ ન થતા તેણે તુરંત પોતાની પાસે રહેલી છરી કાઢી હતી. ત્યારબાદ આરોપી મુળુએ કિશનના છાતી, વાસા, જમણા ખભા, કાંડા અને જમણા હાથના પોંચા પર છરીના ઘા ઝીંકી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. આ ઘાતક હુમલાના કારણે કિશનનું ટૂંકી સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું.
મૃતક કિશન હાલ રાજકોટ શહેરમાં બીએડનો અભ્યાસ કરી રહ્યો હતો તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી પણ કરી રહ્યો હતો. વેકેશન હોવાથી માત્ર બે દિવસ પહેલાં જ પોતાના વતન ખાખરાળા આવ્યો હતો. આ હત્યાના બનાવમાં તાલુકા પોલીસે આરોપી સામે ભારતીય ન્યાય સંહિતા કલમ ૧૦૩, આર્મ્સ એક્ટ અને જીપી એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.