મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં માળીયા ફાટક નજીક ઓવરબ્રિઝ ઉપરથી પેરોલ ફર્લો સ્ક્વોડ પોલીસ ટીમ દ્વારા રીક્ષામાંથી દેશી દારૂનો ૩૦૦ લિતરનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો છે. જ્યારે પોલીસને જોઈ રીક્ષા-ચાલક પોતાનું વાહન રેઢું મૂકીને નાસી છૂટ્યો હતો. હાલ પેરોલ ફરલી સ્ક્વોડ ટીમ દ્વારા રીક્ષા તેમજ દેશી દારૂ એમ કુલ ૧.૧૦ લાખનો મુદ્દામાલ કબ્જે લઈ, નાસી ગયેલ આરોપી રીક્ષા-ચાલક વિરુદ્ધ બી ડિવિઝન પોલીસ મથકમાં ગુનો નોંધાવી આગળની તપાસ ચલાવી છે.
મળતી માહિતી અનુસાર, મોરબી પેરોલ ફર્લો સ્ક્વોડ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન માળીયા ફાટક નજીક, માળીયા તરફથી આવતી શંકાસ્પદ રીક્ષાને રોકવા ઈશારો કરતા, રીક્ષા ચાલકે પોતાનું વાહન પુરપાટ સ્પીડમાં માળીયા ફાટક ઓવરબ્રિઝ તરફ જવા દીધું હતું, જેથી તુરંત પેરોલ ફર્લો સ્ક્વોડ ટીમ દ્વારા રીક્ષાનો પીછો કરવામાં આવતા, રીક્ષા ચાલક પોતાના હવાલાવાળી રીક્ષા ઓવરબ્રિઝ ઉપર સાઈડમાં રાખીને નાસી છૂટ્યો હતો, જેથી પોલીસે સીએનજી રીક્ષા રજી.નં. જીજે-૩૬-ડબલ્યુ-૨૨૮૬ ની તલાસી લેતા, તેમાં પ્લાસ્ટિકના બાચકામાં ભરેલ ૩૦૦ લીટર દેશી દારૂ કિ.રૂ.૬૦ હજાર મળી આવ્યો હતો, આથી પેરોલ ફર્લો સ્ક્વોડ સીએનજી રીક્ષા તેમજ દેશી દારૂનો જથ્થો જેની કુલ કિ.રૂ.૧,૧૦,૦૦૦/-નો મુદ્દામાલ જપ્ત કરી, નાસી છુટેલ આરોપી રીક્ષા-ચાલકને ફરાર દર્શાવી તેની વિરુદ્ધ બી ડિવિઝન પોલીસ મથકમાં પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધાવી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.