મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં નવ વિદ્યાર્થીનીઓએ નિયમિતતાનું અજોડ ઉદાહરણ પૂરું પાડ્યું છે. જેમાં નવ દીકરીઓએ સમગ્ર વર્ષ દરમિયાન ૧૦૦ ટકા હાજરી આપી સમગ્ર શાળા પરિવારના દિલ જીતી લીધા છે. ધોરણ ૫ અને ૬ ની બે, બે બાળાઓ અને ધોરણ નવની પાંચ બાળાઓએ એક પણ રજા રાખ્યા વગર નિયમિતતાનું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડ્યું છે. જે બદલ શાળા દ્વારા તમામ નવ દીકરીઓનું સન્માન કરવામાં આવશે તેમ શાળાના પ્રિન્સીપાલ દિનેશભાઈ વડસોલાએ જણાવ્યું છે.
મોરબીની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળા ગુણવત્તાલક્ષી શિક્ષણ અને મૂલ્ય શિક્ષણ માટે જાણીતી સંસ્થા છે. વિદ્યાર્થીઓમાં સંસ્કારનું ઘડતર થાય એ માટે અનેકવિધ પ્રવૃત્તિઓનું આયોજન અને અમલીકરણ કરવામાં આવે છે. તેમજ વિશિષ્ટ સિદ્ધિ મેળવેલ વિદ્યાર્થીનીઓનું સન્માન કરવામાં આવે છે. જેથી વિદ્યાથીઓનો ઉત્સાહ જળવાઈ રહે અને અન્ય વિદ્યાર્થીઓને પ્રેરણા મળતી રહે. આવું જ પ્રેરણા અને પ્રોત્સાહન મળે એવું ગૌરવશાળી કામ શાળાની નવ બાળાઓએ કરી છે. અને આ નવ રત્નોએ નિયમિતતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. જે સાંભળીને સૌને ગૌરવ થશે. આ નવ બાળાઓએ સમગ્ર વર્ષ દરમ્યાન શાળામાં એક પણ દિવસની ગેર હાજરી વગર 100% હાજરી આપી છે. વર્ષ દરમ્યાન ટાઢ, તાપ, વરસાદમાં પણ આ બાળાઓએ હાજરી આપી સૌના દિલ જીતી લીધા છે. જે બાળાઓમાં ધોરણ ૫ માં ચેતના કંઝારીયા, સોહાની હડિયલ, ધોરણ ૬ માં આશા પરમાર, કૃપાલી પરમાર અને ધોરણ ૯ માં રાજલ ચાવડા, તૃપ્તિ ચાવડા, પારૂલ હડિયલ, કાજલ ચાવડા અને અસ્મિતા ચાવડા નામની બાળાઓએ નિયમિતતા બદલ શાળા પરિવાર દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા છે. આગામી કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ વખતે તમામ બાળાઓને સન્માનિત કરવામાં આવશે તેમ શાળાના પ્રિન્સિપાલ દિનેશભાઈ વડસોલાએ જણાવ્યું છે.