વાંકાનેરના ચંદ્રપુર ગામના ખેડૂતને ‘ધરમ કરતા ધાડ પડી’ તેમ ઉધારીમાં કરીયાવરનો ફર્નિચરનો માલ સામાન લઈ દીધેલ હોય, જેની લેણી રકમ માટે ઇસમને ફોન કરતા, જે બાબતનું સારું નહિ લાગતા ઇસમે ખેડૂતને ગાળો આપી ઈટ મારી ઇજા પહોંચાડી હતી, ત્યારે સમગ્ર બનાવ અંગે ઇજાગ્રસ્ત ખેડૂત દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવતા, પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
વાંકાનેરના ચંદ્રપુર રહેતા ખેડૂત ઇસ્માઇલભાઇ ફતેહભાઇ શેરશીયા ઉવ.૪૫ એ વાંકાનેર સીટી પોલીસ મથકમાં આરોપી કાદરભાઇ અલ્લારખાભાઇ સંધી રહે.લાલપર તા.વાંકાનેર વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી જાહેર કર્યું કે, આરોપી કાદરભાઈએ કમાન ફર્નિચર નામની દુકાનમાંથી કરીયાવરનો સામાન લીધેલ હોય, જેના પૈસા બાકી રાખેલ હોય અને તેમા ફરીયાદી ઇસ્માઇલભાઈ વચ્ચે રહેલ હોય, જેથી ગઈકાલ તા.૦૫/૦૫ના રોજ આ પૈસા બાબતે ઇસ્માઇલભાઈએ આરોપીને ફોન કરતા આરોપી કાદરભાઈએ ચંદ્રપુર બોર્ડ પાસે આવી ફરીયાદીને ગાળો આપવા લાગેલ, જેથી ઇસ્માઇલભાઈએ ગાળો દેવાની ના પાડતા આરોપીએ ત્યા પડેલ ઇંટનો છુટો ઘા ફરીયાદીને મારતા ફરીયાદીને માથાના પાછળના ભાગે ઇજા પહોચી હતી, ત્યારે આજુબાજુના લોકો એકઠા થઇ જતા, આરોપી કાદરભાઈ ત્યાંથી ચાલ્યો ગયો હતો, હાલ પોલીસે ઉપરોક્ત ફરિયાદને આધારે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.