મોરબીમાં ફરી અસામાજિક અને ગુંડાતત્વોએ માથું ઉચકયું છે, જેમાં મોરબીના ગાંધી ચોકમાં સામાન્ય બાબતે યુવકને જેમફાવે તેમ ગાળો આપી, છરીનો એક ઘા પેટમાં મારી દેતા યુવકને સારવારમાં સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, ત્યારે બનાવ અંગે એ ડિવિઝન પોલીસે માથાભારે આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો મુજબ, મોરબી શનાળા રોડ હાઉસિંગ બોર્ડમાં રહેતા હાર્દિકભાઈ કાનાભાઈ મકવાણા ઉવ.૨૮ એ આરોપી જીગ્નેશ બોરીચા રહે.લીલાપર રોડ બોરીચાવાસ મોરબીવાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે, ગઈ તા.૦૬/૦૫ ના રાત્રીના સાડા દસ વાગ્યા આસપાસ હાર્દિકભાઈ અને તેના મોટાબાપુનો દીકરો કિશનભાઈ એમ બન્ને ગાંધીચોક ખાતે ગાંઠિયા લેવા ગયા હતા, ત્યારે ઉપરોક્ત આરોપી જીગ્નેશ બોરીચા ત્યાં તેની નંબર પ્લેટ વગરની ફોરવ્હીલ કારમાં આવ્યો હતો, અને આરોપી તેના મોટાબાપુના દીકરા કિશન સાથે વાત કરતો હોય ત્યારે હાર્દિકભાઈએ કિશનભાઈને ગાંઠિયા લેવાનું કહેતા, આરોપી એકદમ ઉશ્કેરાઈને હાર્દિકભાઈને ગાળો આપી છરીનો પેટમાં એક ઘા મારી ગંભીર ઇજા પહોંચાડી હતી, ત્યારે બનાવ બાદ કિશનભાઈ તેના કુટુંબી ભાઈને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયો હતો. સમગ્ર બનાવ બાદ હાર્દિકભાઈની ફરિયાદને આધારે એ ડિવિઝન પોલીસે આરોપી સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.