સોશિયલ મીડિયામાં ફેક ન્યુઝ કે દેશવિરોધી પોસ્ટ ન કરવા જનતાને ચેતવણી.
મોરબી: ભારત-પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવના કારણે મોરબી જીલ્લા પોલીસે મહત્વની સૂચના આપી છે કે કોઈએ સોશિયલ મીડિયા પર રાષ્ટ્રવિરોધી પોસ્ટ કે ફેક ન્યુઝ ન મૂકવી. સાયબર ક્રાઇમ સેલ બાજ નજર રાખી રહી છે અને આવા કિસ્સામાં કડક પગલા લેવાશે.
મોરબી જીલ્લા પોલીસ તરફથી મહત્વની સૂચના જાહેર કરવામાં આવી છે. જેમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવને લઈ જનતાને ચેતવણી આપવામાં આવી છે કે કોઈ પણ વ્યક્તિએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર એવી કોઈ પોસ્ટ ન કરે કે જે ભારતની એકતા અને અખંડિતતાને નુકસાન પહોંચાડતી હોય અથવા ખોટી માહિતી (ફેક ન્યુઝ) હોય. ખાસ કરીને એવી પોસ્ટ કે જે ભારતની સેના અને જવાનોના મનોબળને અસર કરતી હોય, તેને સખત નિષેધ કરવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, મોરબી જીલ્લા સાયબર ક્રાઇમ વિભાગ સતત સોશિયલ મીડિયા પર નજર રાખી રહ્યા છે અને જો કોઈ વ્યક્તિ આવા કૃત્યમાં સામેલ હોવાનું જણાશે તો તેની સામે તાત્કાલિક કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે તેવી ચેતવણી પણ આપવામાં આવી છે.