મોરબી-રાજકોટ હાઈવે પર ટંકારા તાલુકાના વિરપર ગામ નજીક એક કેરી વાહન પલ્ટી મારી જવાની ઘટનામાં કેટરિંગ માટે ધાર્મિક પ્રસંગે જતા ૧૫ જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા હતા. અકસ્માત સર્જનાર કેરી વાહનના ચાલક આરોપી સામે ટંકારા પોલીસ સ્ટેશને ગુનો દાખલ કર્યો છે.
પ્રાપ્ત માહિતી મુજબ, મોરબીના વણકરવાસ શેરી નં.૨ માં રહેતા હંસાબેન હિંમતભાઈ જાદવ ઉવ.૩૫ દ્વારા આરોપી કેરી વાહનચાલક નરેશભાઈ કણજારીયા રહે. મોરબી વાળા વિરુદ્ધ ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી જાહેર કર્યું કે ગઈકાલ તા.૧૧/૦૫ના રોજ સવારે આશરે ૮.૧૫ વાગ્યે મોરબી-રાજકોટ હાઈવે પર વિરપર ગામ નજીક કેરી વાહન રજી. નં. જીજે-૩૬-વી-૮૭૮૦ પલ્ટી ખાઈ ગયું હતું. આ વાહનમાં કેટરિંગના કામ માટે યુવતીઓ અને મહિલાઓ સહિત કુલ ૧૫ લોકો રાજકોટના ખીજડિયા ગામે ધાર્મિક પ્રસંગે ભોજન પીરસવા જઇ રહ્યા હતા. ત્યારે અચાનક કેરી વાહન ચાલક દ્વારા રોડ ઉપર કાવો મારતા ડ્રાઈવરે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવ્યો અને વાહન રોડ પર પલ્ટી ખાઇ ગયું હતું. આ અકસ્માતમાં કેટલાક લોકોને નાની મોટી ઇજાઓ તો કેટલાકને ફ્રેક્ચર જેવી ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઇજાગ્રસ્તોને તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા મોરબી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. હાલ ટંકારા પોલીસે કરી વાહનના ચાલક આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.