મોરબી મહાનગરપાલિકા દ્વારા જાહેર નોટિસ દ્વારા જણાવાયું છે કે આગામી વરસાદી ઋતુને ધ્યાને લઇ શહેરની અંદર આવેલી તમામ જર્જરિત મિલકતોના માલિકો કે કબજેદારોએ પોતપોતાની મિલકત તાત્કાલિક ઉતારી લેવી કે સુરક્ષિત કરવી જરૂરી છે. જો કોઈ નુકશાન થાય તો તેની સંપૂર્ણ જવાબદારી માલિક/કબજેદારની રહેશે.
ગુજરાત પ્રોવિઝનલ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ, ૧૯૪૯ ની કલમ ૨૬૪ હેઠળ મોરબી મહાનગરપાલિકા દ્વારા શહેર હદ વિસ્તારમાં આવેલી જર્જરિત મિલકતો અંગે તાત્કાલિક કાર્યવાહી કરવા માટે જાહેર નોટિસ જાહેર કરવામાં આવી છે. આ જાહેર નોટિસમાં જણાવાયું છે કે અતિભારે વરસાદ દરમિયાન કોઇ જર્જરિત મિલકત તૂટી પડે તો તેનાથી જાનમાલના નુકસાન કે જાનહાની થવાની શક્યતા રહે છે. તેથી જર્જરિત મિલકતોના માલિકો કે કબજેદારોએ સમયસર સતર્કતા દાખવી અને પોતાની મિલકત તાત્કાલિક ઉતારી લેવી કે જરૂર મુજબની પૂરતી સુરક્ષા વ્યવસ્થા કરવી. મહાનગરપાલિકા દ્વારા સ્પષ્ટ રીતે જણાવવામાં આવ્યું છે કે જો કોઈ આવી મિલકત ધરાશાઈ થાય અને તેને કારણે જાનમાલનું નુકસાન થાય તો તેની સંપૂર્ણ જવાબદારી સંબંધિત મિલકત માલિક/કબજેદારની રહેશે.
અત્રે નોંધનીય છે કે જે મિલકતમાં સરકારી દાવા ચાલતા હોય, તેવા કિસ્સામાં કાયદાની જોગવાઈને આધિન અમલવારી કરવાની રહેશે તેમ મોરબી મહાપાલિકા સીટી ઇજનેરની યાદીમાં જણાવાયું છે.