મોરબી: મકનસર પોલીસ હેડ ક્વાટર્સ ખાતે ફરજ બજાવતા પોલીસ સબ ઇન્સ્પેક્ટર ભગવાનજી રવાજી જાડેજાનું ટ્રકની અડફેટે આવતા ઘટનાસ્થળે જ દુઃખદ અવસાન થયું હતું. ટ્રક ચાલકે ગફલતભરી અને બેદરકારીપૂર્વક વાહન ચલાવી જાંબુડીયા ગામ નજીક ઓવરબ્રિઝ ઉપર એક્ટીવા મોપેડને પાછળથી ટક્કર મારી અકસ્માત સર્જ્યો હતો, ત્યારે સમગ્ર અકસ્માતના બનાવ અંગે મૃતકના પુત્ર દ્વારા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
અકસ્માતના બનાવ અંગે પ્રાપ્ત માહિતી મુજબ,મોરબી જીલ્લા પોલીસ હેડ ક્વાટર્સમાં પીએસઆઇ તરીકે ફરજ બજાવતા ભગવાનજી રવાજી જાડેજા ગઈકાલ તા. ૧૨ મે ૨૦૨૫ના રોજ તેમની ફરજ પૂર્ણ કરીને પોતાના સ્કૂટર એક્ટીવા જીજે-૦૧-પીએ-૭૧૬૭ ઉપર ઘરે પરત ફરી રહ્યા હતા. ત્યારે રાત્રીના ૮ વાગ્યા આસપાસ જાંબુડીયા ઓવરબ્રિજ ઉપરથી પસાર થઇ રહ્યા હતા, તે સમયે ટ્રક કન્ટેનર આરજે-૦૭-જીડી-૧૨૧૫ના ચાલકે બેદરકારીપૂર્વક ટ્રક ચલાવતાં તેમના મોપેડમાં પાછળથી ભટકાડી અકસ્માત સર્જ્યો હતો. અકસ્માતમાં ભગવાનજી જાડેજાને માથા તથા છાતીના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતાં તેમનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. અકસ્માત સર્જી ટ્રક ચાલક સ્થળ ઉપરથી નાસી ગયો હતો, ત્યારે આ અંગે તેમના પુત્ર મીતરાજસિંહ ભગવાનજી જાડેજા ઉવ.૨૧ રહે. તાલુકા પોલીસ લાઇન ક્વાટર્સ મોરબી મુળરહે. મોટા રેહા કચ્છ ભુજ દ્વારા આરોપી ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા, તાલુકા પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.