મોરબી જિલ્લા પંચાયત ભવન ના શિક્ષણ વિભાગ દ્વારા સરકારી પ્રાથમિક શાળામાં સતત ગેર હાજર રહેતા શિક્ષકને જાહેર નોટિસ પાઠવવામાં આવી છે. શિક્ષકને જાહેર નોટીસ પાઠવી દસ દિવસમાં રૂબરૂ હજાર થઈ સતત ગેર હાજર રહેવા બાબતે ખુલાસો પૂછવામાં આવ્યો છે. જો તેમ છતાં શિક્ષક હાજર નહિ રહે તો સેવાની સમાપ્તિ એટલે કે રુખસદ કરી દેવામાં આવશે તેમ પણ જણાવવામાં આવ્યું છે.
મોરબી જિલ્લા શિક્ષણ સમિતિ હસ્તકની વાંકાનેર તાલુકાની સરધારકા તાલુકા શાળાના શિક્ષિકા દેસાઈ ગાર્ગીબેન માંડણભાઈને પ્રાથમિક શાળામાં બિનઅધિકૃત રીતે સતત ગેરહાજર રહેતા ત્રણ કારણદર્શક નોટિસ પાઠવવામાં આવી છે.તેમ છતાં આજદિન સુધી શિક્ષક દ્વારા પ્રત્યુતર આપવામાં ન આવતા હવે શિક્ષકને આખરી નોટિસ આપવામાં આવી છે. જેના દશ દિવસમાં પોતાની અનિયમિતતા અંગે રૂબરૂ ખુલાસો કરવા માટે જણાવવામાં આવ્યું છે. જો આમ કરવામાં ચૂક કરવામાં આવશે તો ગુજરાત રાજ્ય સેવા ( સેવા અને અપીલ) નિયમો 1997 અને ગુજરાત રાજ્ય સેવા (વર્તણુક) નિયમો 1998 અનુસાર શિક્ષાત્મક કાર્યવાહીના ભાગરૂપે સેવાની સમાપ્તિ એટલે કે રુખસદ અંગેની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. તેમ જિલ્લા પંચાયત મોરબી દ્વારા સરકારી પ્રાથમિક શાળાના શિક્ષકને જણાવવામાં આવ્યું છે. ત્યારે સવાલ ઉઠી રહયા છે કે સમય સૂચકતા અભ્યતા અને સંસ્કૃતિ સાથે સમાજના પાઠ ભણાવતા શિક્ષકને જાહેર નોટીસ આપી જાણ કરવી પડે તે કેટલું યોગ્ય છે?ખેર હવે આ શિક્ષિકા આ જાહેર નોટિસ ને ગણકારે છે કે નહીં એ જોવું રહ્યું.