આગાઉ પ્રેમ સંબંધના મનદુઃખનો ખાર રાખી છરી-તલવારના હુમલામાં ગંભીર ઈજાઓ, બંને પક્ષે પોલીસ ફરિયાદ
મોરબીના જોન્સનગર વિસ્તારમાં બે પરિવારો વચ્ચે જૂના મનદુઃખના કારણે છરી અને તલવાર જેવા ઘાતક હથિયારોથી હુમલો થતાં બન્ને પક્ષના છથી વધુ લોકો ઘાયલ થયા હતા. પોલીસે સામસામી ફરિયાદના આધારે કુલ ૭ લોકો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મોરબી શહેરના જોન્સનગર વિસ્તારમાં બે પરિવારો વચ્ચે મારામારીની ઘટના બની હતી જ્યાં બે પરિવારો વચ્ચે જૂના વિવાદના કારણે ઉગ્ર અથડામણ સર્જાઈ હતી. પ્રેમસંબંધના મનદુઃખ અને છેડતીના ઝઘડાનો ખાર રાખી મુસ્તાક કાસમભાઈ સંધવાણી અને મહંમદ કાસમભાઈ થૈયમના પરિવારો આમને સામને તૂટી પડ્યા હતા.
જે બનાવ અંગે ફરીયાદી મુસ્તાક સંધવાણીએ આરોપી મહંમદ કાસમભાઈ થઈમ, મહેબુબ કાસમભાઇ થઇમ, કાસમભાઇ ખમીશાભાઇ થઇમ તથા જલાબેન કાસમભાઇ થઇમ તમામ રહે. મોરબી લાતી પ્લોટ જોન્સનગર વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે આરોપી મહમદ થૈયમે તેની બહેન સાથે પાંચ મહિના પહેલા છેડતી કરેલ હતી, જે બાબતે પહેલાં ઝઘડો થયા બાદ ઘરમેળે સમાધાન થયું હતું. પરંતુ આ બાબતે ખાર રાખી આરોપીઓએ ફરી હુમલો કર્યો હતો જેમાં ફરીયાદીના પિતાને તલવારના ઘા મારવામાં આવ્યા, ભાઈ અસ્લમને છરીથી ઇજા પહોંચાડવામાં આવી અને તેમની માતા તથા ફરીયાદી ઉપર પથ્થરોમારો કરવામાં આવ્યો હતો.
જ્યારે સામાપક્ષે મહંમદ કાસમ થૈયમે આરોપી મુસ્તાક ઉર્ફે ડાડો કાસમ સંધવાણી, અસ્લમ કાસમ સંધવાણી તથા કાસમભાઈ સંધવાણી રહે. જોન્સનગર શેરી નં.૭ વાળા વિરુદ્ધ ફરિયાદમાં જણાવ્યું કે ફરીયાદીની દિકરી સાથે પ્રેમસંબંધ બાબતે ખાર રાખી મુસ્તાક ઉર્ફે ડાડો સાહિતનાઓએ મહંમદ થૈયમના પરિવારના સભ્યો ઉપર હુમલો કર્યો હતો. જેમાં કાચની બોટલો અને પથ્થરો વડે મારકૂટ કરવામાં આવી હતી. આરોપીઓએ મહંમદભાઈના ભાઈ મહેબુબને માથામાં તથા ખભાના ભાગે ગંભીર ઇજા કરી હતી.
હાલ સમગ્ર લોહિયાળ મારામારીની ઘટનાને પગલે સીટી એ ડિવિઝન પોલીસ દ્વારા બંને પક્ષોની ફરિયાદને આધારે એક મહિલા સહિત ૭ આરોપીઓ વિરુદ્ધ બીએનએસની વિવિધ કલમો અને જીપી ઍક્ટ મુજબ ગુના દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે.