સુરવદરના યુવકે શક્તિનગર ગામની પરિણીતાને ભગાડી જતા ભાઈ, પતિ સહિતનાઓએ ખેલ્યો ખૂની ખેલ:એક હત્યા, ત્રણ ઘાયલ
હળવદ તાલુકાના સુરવદર ગામે હત્યાનો બનાવ સામે આવ્યો છે, જેમાં સુરવદરના યુવક અને શક્તિનગર ગામે રહેતી પરિણીતા વચ્ચે પ્રેમ સંબંધ હોય જેથી બન્ને ભાગી ગયા હોય, જેનો ખાર રાખી પરિણીતાના પતિ તથા ભાઈ સહિતના લોકો રાત્રે ૪ વાગ્યાના અરસામાં બે ફોરવ્હીલ ગાડીમાં આવી ભગાડી જનાર યુવકના ભાઈનું અપહરણ કરી લઈ જતા હોય ત્યારે પરિવારજનો છોડાવવા વચ્ચે પડતા છરી અને ધોકા વડે હુમલો કરવામાં આવ્યો હતો, જે હુમલામાં યુવકના કાકાનું મૃત્યુ નીપજ્યું હતું, ત્યારે હત્યાના આ બનાવ અંગે હળવદ પોલીસે અપહરણ, હુમલો, હત્યા સહિતની કલમો હેઠળ ચાર આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી તમામને પકડી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.
મળતી પ્રાપ્ત વિગતો મુજબ હળવદ તાલુકાના સુરવદર ગામે રહેતા ખેડૂત પરિવારના કિરણભાઈ કરશનભાઇ ધમેચા ઉવ.૨૩ એ હળવદ પોલીસ મથકમાં આરોપી વિશાલભાઈ રમેશભાઈ કોળી, શામજીભાઈ રણછોડભાઇ કોળી, સાગરભાઈ રણછોડભાઇ કોળી ત્રણેય રહે.રાયધ્રા ગામ તા.હળવદ તથા આરોપી આશીષભાઇ બાબુભાઇ કોળી રહે. ગામ શક્તિનગર તા.હળવદ વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી, જેમાં જણાવ્યા અનુસાર તા.૧૮/૦૫ ની વહેલી સવારે કિરણભાઈ ધામેચા પોતાના ઘરની ઓસરીમાં સુતા હતા. તે દરમિયાન ચારેક વાગ્યે ઉપરોક્ત આરોપીઓએ કિરણભાઈનું અપહરણ કર્યું હતું. આ શખ્સોએ તેમને ઘરની ઓસરીમાંથી ઉંઘતી હાલતમાં જ ઉઠાવી સફેદ કલરની ફોર વ્હીલ ગાડીમાં બેસાડી લઈ જતા હોય ત્યારે રસ્તામાં કિરણભાઈના કાકા ચંદુભાઈ રાઘવજીભાઈ તેમને બચાવવા વચ્ચે પડતા, જેથી આરોપી વિશાલભાઈએ છરીથી તેમનાં છાતી પર ઘા ઝીંક્યો હતો, જેના કારણે તેઓ લોહીલુહાણ હાલતમાં નીચે પટકાયા હતા. જે બાદ આરોપી વિશાલભાઈએ કિરણભાઈના કાકાના દીકરા જયેશભાઈ પર પણ છરી વડે જીવલેણ હુમલો કર્યો અને અન્ય પરિવારજનોમાં જયસુખભાઈ તથા સંજનાબેનને અન્ય આરોપીઓએ ધોકા વડે ઇજાઓ પહોંચાડી હતી.
ઘટનાના પગલે આરોપીઓ બે અલગ અલગ ફોરવ્હીલ કારમાં બેસી ફરાર થઈ ગયા હતા. બીજીબાજુ ઇજાગ્રસ્તોને ગામના લોકોની મદદથી તાત્કાલિક જેતપર સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ડૉક્ટરે કિરણભાઈના કાકા ચંદુભાઈને જોઈ તપાસી મૃત જાહેર કર્યા હતા. કાકાના દીકરા જયેશભાઈને માથામાં ગંભીર ઇજા હોવાના કારણે મોરબી રીફર કરવામાં આવ્યા હતા, જ્યારે જયસુખભાઈ અને સંજનાબેનને સારવાર આપી રજા અપાઈ હતી. ત્યારે સમગ્ર બનાવ હત્યામાં પલટાયો હતો, હાલ હળવદ પોલીસે કિરણભાઈની ફરિયાદને આધારે ઉપરોક્ત ચારેય આરોપીઓ તથા તપાસમાં ખુલ્લે તેની વિરુદ્ધ હત્યા સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ ચલાવી છે.