ટંકારા ગામે એક વેપારીએ પોતાનાં ખરીદેલા મકાન પર પાંચ લોકોએ ગેરકાયદેસર કબજો કરીને ખાલી ન કરતા લેન્ડ ગ્રેબીંગ એક્ટ અંતર્ગત ટંકારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. જેમાં ખરીદ કરેલ મકાન એક માસમાં ખાલી કરવાને બદલે બે વર્ષથી મકાન ખાલી ન કરતા એક જ પરિવારના પાંચ સામે મકાનમાલિકે ફરિયાદ નોંધાવી છે. અગાઉ ક્લેક્ટરે પણ તપાસ બાદ આ મામલે એફઆઈઆર કરવા માટે આદેશ આપ્યો હતો.
મળતી માહિતી અનુસાર, અંતિમસિંહ બનેસંગ જાડેજા ઉવ.૩૯ રહે. બેલા-રંગપર વાળાએ તા. ૧૩ એપ્રિલ ૨૦૨૩ ના રોજ ટંકારા ગામે સર્વે નં. ૧૫૨૬/એ ની ચો.મી. ૩૧૮૨.૨૭નું મકાન અમિન અલીશા સરવદી પાસેથી ખરીદ્યું હતું. જે બાદ વેચાણ કરનાર અમિનભાઈએ મકાનમાં એક માસ રહેવા માગણી કરી હતી, જેને માનવતા હેઠળ અંતિમસિંહે મંજૂરી આપી હતી. પરંતુ એક માસ બાદ વિનંતી કરવા છતાં મકાન ખાલી ન કરવામાં આવ્યું. ત્યારે અમીનભાઈના પરિવારના બીજા સભ્યો જેમકે આસીફ, અલ્તાફ, અબ્દુલ અકબરશા અને અલીશા અકબરશા સરવદી પણ આ મકાનમાં ગેરકાયદેસરનો કબજો કરી રહેતા હોય. આ મામલે અંતિમસિંહે મોરબી લેન્ડ ગ્રેબીંગ કમિટીમાં અરજી આપી હતી, જેના આધારે મોરબી કલેક્ટરે અમીન અલીશા સામે એફઆઈઆર દાખલ કરવા આદેશ આપ્યો હતો. જો કે, બાકીના ચાર સામે પણ કબજો ખાલી ન કરવાના કારણે ફરી અરજી કરીને તમામ પાંચ સામે કાર્યવાહી કરવા વિનંતી કરવામાં આવી હતી. જે તા.૪ ડિસેમ્બર ૨૦૨૪ ના રોજ થયેલી કમિટીની બેઠક બાદ ૬ જાન્યુઆરી ૨૦૨૫ ના રોજ તમામ સામે એફઆઈઆર કરવા હુકમ કરવામાં આવ્યો હતો. તેમ છતાં આજદીન સુધી મકાન ખાલી કરવામાં આવ્યું નથી કે વેચાણની અવેજી રકમ પરત કરવામાં આવી નથી. અંતે અંતિમસિંહ દ્વારા ટંકારા પોલીસ સ્ટેશને તમામ પાંચ આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે પાંચેય આરોપીઓ વિરુદ્ધ ગુજરાત જમીન પચાવી પાડવા પ્રતિબંધ અધિનિયમ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.