મોરબી-૨ મહેન્દ્રનગર ચોકડી પાસે રોડ ક્રોસ કરતી ૧૩ વર્ષની તરુણીને એક ફોરવ્હીલ વાહનના ચાલકે પોતાનું વાહન પૂરઝડપે ચલાવી હડફેટે લેતાં તેણી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ હતી. ત્યારે અકસ્માત સર્જનાર કાર ચાલક દ્વારા પ્રથમ તરુણીને તાત્કાલિક સારવાર માટે મોરબી ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી જ્યાંથી તરુણીના પરિવારજનો દ્વારા રાજકોટ ખસેડવામાં આવી હતી, જ્યાં ચાર દિવસની સારવાર બાદ તેણીનું દુર્ભાગ્યપૂર્ણ મૃત્યુ થયું છે. હાલ મૃતક દીકરીના પિતાની ફરિયાદને આધારે અકસ્માત સર્જનાર કાર ચાલક આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે.
મળતી વિગતો મુજબ, પડધરી ગામે ફુલવાડી પ્રાથમિક શાળાની બાજુમાં રહેતા દીલીપભાઈ નરશીભાઈ જાદવની દિકરી ઝરણાબેન ઉવ.૧૩ તા. ૧૪ મે ૨૦૨૫ના રોજ સવારે ૧૧ વાગ્યે મહેન્દ્રનગર ચોકડી નજીક શિવમ પ્લાઝા સામે રોડ ક્રોસ કરી રહી હતી. ત્યારે ઘુંટુ ગામ તરફથી મહેન્દ્રનગર ચોકડી તરફ ધસી આવતી જીજે-૩૬-એજે-૬૬૪૭ નંબરની ફોરવ્હીલ કારના ચાલકે પોતાના હવાલાવાળી કાર પૂરઝડપે અને ગફલતભરી રીતે ચલાવી તેણીને ટક્કર મારી હતી.
અકસ્માતમાં ઝરણાબેનના માથાના ભાગે ગંભીર ઈજા થતાં તેને તાત્કાલિક સારવારમાં મોરબી શહેરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાંથી રાજકોટના સરકારી દવાખાને ખસેડવામાં આવી હતી. ચાર દિવસ સુધી સારવાર મળ્યા બાદ, અંતે તા. ૧૭ મેના રોજ ઝરણાનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. હાલ મોરબી બી ડિવિઝન પોલીસે મૃતકના પિતાની ફરિયાદને આધારે કાર ચાલક આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની તજવીજ હાથ ધરી છે.