મોરબી: રાજપર ચોકડી નજીક ગૌ રક્ષક ટીમની વોચ દરમિયાન એક બોલેરો પીકઅપમાંથી બે બળદ ઝડપાયા હતા. શંકાસ્પદ વાહનમાં ઘાસ, પાણીની કોઈ વ્યવસ્થા વગર બળદને ટૂંકા દોરડા વડે ક્રુરતાપૂર્વક બાંધીને માળીયા(મી) કાજરડા ગામે કતલખાને લઈ જવાતા હતા, હાલ પોલીસે બોલેરો ચાલક, બળદના મૂળ માલીક તથા બંને બળદને જેની પાસે કતલ કરવા લઈ જતા હોય તે શખ્સ સહિત ત્રણ વિરુદ્ધ સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ગુનો નોંધાવવામાં આવ્યો છે, જ્યારે બન્ને બળદને મોરબી પાંજરાપોળ ખાતે ખસેડવા તજવીજ હાથ ધરવામાં આવી હતી.
મળતી માહિતી અનુસાર, મોરબી જીલ્લાના ગૌ રક્ષક વૈભવભાઈ જીતેશભાઈ જાલરીયા તથા તેમના સાથીદારો કમલેશભાઈ બોરીચા, ચેતનભાઈ પાટડીયા, પાર્થભાઈ મેસરીયા અને હિતરાજસિંહ પરમારે મોરબી-રાજકોટ હાઇવે પર રાજપર ચોકડી નજીક ગૌ વંશની હેરફેર અંગેની વોચ રાખી હતી. ત્યારે રાત્રે સાડા દસ વાગ્યાના આસપાસ એક સફેદ બોલેરો પીકઅપ રજી.નં. જીજે-૩૬-વી-૭૨૫૧ શંકાસ્પદ રીતે પસાર થતાં તેને રોકવામાં આવી હતી. ત્યારે બોલેરોની તલાસી લેતા, વાહનમાં બે મોટા બળદને ટૂંકા દોરડાથી બાંધી ક્રુરતાપૂર્વક ભરી લાવવામાં આવ્યા હતા. આ સાથે બોલેરો ડ્રાઈવર વિજયભાઈ ધનાભાઈ બાલાસરા (રહે. વેણાસર, માળિયા વાળાની પૂછતાછમાં આ બન્ને બળદ લતીપર તા.ધ્રોલ વાળા મેહુલભાઈ બોરીચાને ત્યાંથી ભરીને માળીયા(મી)ના કાજરડા ગામે ઈકબાલભાઈ પાસે લઈ જવામાં આવતા હોવાની કબૂલાત આપતા તુરંત બન્ને બળદો સહિત બોલેરો ગાડી સીટી એ ડિવિઝન પોલીસ મથકે લઈ જવામાં આવી હતી.
સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં વૈભવભાઈ જીતેશભાઈ જાલરીયાની ફરિયાદને આધારે બોલેરો અને બે બળદ કુલ કિ.રૂ. ૫.૧૦ લાખ સહિત કબ્જે લઈ બોલેરો ચાલક આરોપી વિજયભાઈ ધનાભાઈ બાલાસરા રહે. વેણાસર માળિયા, મેહુલભાઈ બોરીચા રહે.લતીપર ધ્રોલ જામનગર અને ઇકબાલભાઈ રહે. કાજરડા માળિયાવાળા વિરુદ્ધ પશુ ક્રુરતા અધિનિયમ સહિત લાગુ કાયદાકીય કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ ચલાવી છે.