મોરબી મહાનગરપાલિકાની અગ્નિશમન શાખાએ ૧૩થી ૧૯ મે, ૨૦૨૫ દરમિયાન ૭ હૉસ્પિટલ અને ૪ હોટલમાં ફાયર સેફટીની ટ્રેનિંગ આપી હતી. આ ઉપરાંત વિવિધ પ્રકારની બિલ્ડિંગોમાં ફાયર સેફટી ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને ફાયર લેડર ડ્રીલનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
મોરબી મહાનગરપાલિકાની અગ્નિશમન શાખા દ્વારા તા. ૧૩/૦૫ થી ૧૯/૦૫ દરમિયાન ફાયર પ્રિવેન્શનના ભાગરૂપે વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યુ હતું. શહેરની ૭ હોસ્પિટલોમાં ૨૮ સ્ટાફને અને ૪ હોટલોમાં ૪૨ સ્ટાફને અગ્નિસુરક્ષા અંગે તાલીમ આપવામાં આવી હતી. તાલીમ દરમિયાન ફાયર સાધનોના યોગ્ય ઉપયોગ, ઈમરજન્સી સમયે પ્રક્રિયાઓ અને આગ લાગ્યાની પરિસ્થિતિમાં કેવી રીતે પ્રતિસાદ આપવો તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ ઉપરાંત, મહાનગરપાલિકાની ટીમે હોટલ, સમાજવાડી તથા કોમ્પ્લેક્ષ જેવી બિલ્ડિંગોમાં ફાયર સેફટી સર્ટિફિકેટ ચેક કર્યા હતા અને ફાયર NOC ન ધરાવતી બિલ્ડિંગોને નોટિસ ફટકારી હતી. આ સાથે તા. ૧૪/૦૫ ના રોજ મોરબી મહાનગરપાલિકા ખાતે ફાયર એન્ડ ઈમરજન્સી સ્ટાફ દ્વારા ફાયર લેડર ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ડ્રિલનો મુખ્ય હેતુ કોઈ પણ આકસ્મિક પરિસ્થિતિ સામે ફાયર સ્ટાફ તૈયાર છે કે કેમ તેની ચકાસણી કરવાનો હતો. આ લેડર રેસ્ક્યુ મૉક ડ્રિલ દ્વારા ઉચ્ચ બિલ્ડિંગમાંથી લોકોને સુરક્ષિત બહાર કાઢવાની રીત પ્રદર્શિત કરવામાં આવી હતી. ઉપરોક્ત આ પ્રકારની કામગીરીનો મુખ્ય ઉદ્દેશ લોકોને ફાયર સેફટી અંગે જાગૃત કરવો, સલામતીના સાધનોનો યોગ્ય ઉપયોગ શીખવાડવો અને આપત્તિના સમયે જાન-માલની હાનિ અટકાવાનો છે. વધુમાં મોરબી મહાનગરપાલિકા દ્વારા જણાવવામાં આવ્યું છે કે આગ લાગવાના કિસ્સામાં તાત્કાલિક મોરબી ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસને ૦૨૮૨૨ ૨૩૦૦૫૦ અથવા ૧૦૧ પર સંપર્ક કરવા વિનંતી કરવામાં આવી છે.