માળીયા(મી) તાલુકાના જુના ઘાટીલા ગામે મોરબી રહેતા દંપતી ઉપર સગા ભાઈ, ભાભી તથા ભત્રીજાએ હુમલો કરવાનો પ્રયાસ કર્યો હોવાના બનાવ અંગે ફરિયાદ નોંધાવવામાં આવી છે, જેમાં જૂના ઘાંટીલા ગામે નાનાભાઈની ખબરપૂછવા ગયેલ બહેન બનેવીને અગાઉના અટ્રોસિટી કેસના નિવેદનથી નારાજ અન્ય ભાઈ, ભાભી અને ભત્રીજાએ તેમના ઉપર લાકડી વડે માર મારવાનો પ્રયાસ કરી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. સમગ્ર બનાવ બાદ દંપતીએ ત્રણ શખ્સો વિરુદ્ધ માળીયા(મી) પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.
મળતી વિગતો મુજબ, મોરબી શહેરના રોહિદાસપરા નજીક શાંતિવન સોસાયટીમાં રહેતા નાનીબેન મુળજીભાઈ સોલંકી ઉવ.૫૫ એ પોતાના સગા ભાઈ કેશુભાઈ તીકમભાઈ ચાવડા, અક્ષય કેશુભાઈ ચાવડા તેમજ વિનુબેન કેશુભાઈ ચાવડા વિરુદ્ધ માળીયા(મી) પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે ગઈકાલ તા. ૨૪/૦૫ના રોજ ફરિયાદી નાનીબેન પોતાના પતિ મુળજીભાઈ સાથે જૂના ઘાંટીલા ગામે ગયા હતા, જ્યાં તેમના નાનાભાઈ લખમણભાઈ તિકમભાઈ ચાવડા, જેમણે મોઢાના કેન્સરનું ઓપરેશન કરાવ્યું હતું, તેમની ખબર અંતર પૂછવા ગયા હતા. ત્યાં વાતચીત કરતા હોય તે દરમ્યાન નાનીબેનના અન્ય ભાઈ આરોપી કેશુભાઈ ચાવડા, તેમના દિકરા અક્ષય ચાવડા અને પત્નિ વિનુબેન ઘરમાં પ્રવેશી એકાએક ઉશ્કેરાઈ ગયા અને નાનીબેન તથા તેમના પતિને ગંદી ગાળો બોલી ધમકી આપવા લાગ્યા હતા, જેથી તેઓ ત્યાંથી જતા હોય ત્યારે આરોપીઓએ રસ્તામાં અટકાવ્યા અને અગાઉ કેશુભાઈએ દીકરીના સાસરીયાઓ ઉપર અટ્રોસિટી કેસ કરેલ જેમાં સત્ય નિવેદન કેમ આપ્યું તેમ કહી તેમજ હવે તમારું જીવતુ રહેવું હોય તો તમારું નિવેદન પાછું લેવું પડશે. તેમ કહી હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જે મુજબની ફરિયાદને આધારે માળીયા(મી) પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે