કારમાં બેઠેલા સાધુના દર્શન કરવાના બહાને ખેડૂત પાસે રહેલ તલ વેચાણના રૂપિયા ઝૂંટવી લીધા.
હળવદ માર્કેટીંગ યાર્ડમાંથી તલ વેચાણ કર્યા બાદ રૂપિયા લઇ ઘરે જતા ખેડૂત ઢવાણા ગામ નજીક પહોચતા, એક કાળી ફોર વ્હીલમાં આવેલા બે અજાણ્યા શખ્સોએ મંદિર જવાનું સરનામું પૂછી, સાધુના દર્શન કરવાનું કહી તાલ વેચાણના રૂ. ૧.૧૨ લાખ તથા પાકિટમાં રહેલ ૧૦ હજાર એમ કુલ ૧.૨૨ લાખની રોકડ રકમ ઝુંટવી લીધી હતી. પૈસા છોડાવવાના પ્રયાસે ખેડૂત રસ્તા પર પડતા હાથ-પગમાં ઇજાઓ પહોંચી હતી.
મળતી વિગતો અનુસાર, ધ્રાંગધ્રા તાલુકાના જીવા ગામના રહેવાસી અને ખેતી કરતાં અરજણભાઈ રણછોડભાઈ કાચરોલાએ હળવદ માર્કેટીંગ યાર્ડમાં તા. ૩ જૂનના રોજ તલ વેચાણ કર્યા હતા. અરજણભાઈને તલ વેચાણના રૂ.૧.૧૨ લાખ રોકડા લઈને મોટરસાયકલ પર ઘરે જઈ રહ્યા હતા ત્યારે બપોરના આશરે ૩.૩૦ વાગ્યે તેઓ ઢવાણા ગામના પાટીયા પાસે પહોંચ્યા ત્યારે પાછળથી એક કાળા રંગની ફોર વ્હીલ કાર આવી અને ડ્રાઇવરે અરજણભાઈને ઉભા રહેવાનો ઇશારો કર્યો. કારમાંથી એક ડ્રાઇવર ઉતર્યો અને અરજણભાઈને શિવમંદિર વિષે પુછપરછ કરી. ત્યારબાદ અરજણભાઈને સાધુના દર્શન કરવા કહ્યું અને બે રૂપિયાનું દાન માંગ્યું. જ્યારે અરજણભાઈએ પૈસા આપવા પોતાનું પાકીટ કાઢી રહ્યા હતા, ત્યારે સાધુએ આ પાકીટ ઝૂંટવી લઈ તેમાં રહેલા ૧૦ હજાર તથા અરજણભાઈના હાથમાં રૂ.૧.૧૨ લાખ ભરેલી કોથળી બળજબરીથી છીનવી લીધી હતી.
આ દરમિયાન ગાડી ચાલકે કાર ચાલુ કરી દીધી અને ફરાર થવા લાગ્યા હતા, જેથી અરજણભાઈએ ગાડીનો દરવાજો પકડીને અટકાવવાનો પ્રયત્ન કર્યો પણ ઝડપથી ચાલતી ગાડીમાંથી નીચે પડતાં તેઓને બંને હાથ અને પગમાં ઇજા પહોંચી હતી. ત્યારબાદ તેમના ગામના થોભણભાઈ દલવાડી ઘટના સ્થળે આવી પહોંચ્યા અને બંને મળી કારનો પીછો કર્યો, પરંતુ ઉપરોક્ત કાર ક્યાંય દેખાઈ ન હતી. હાલ ભોગ બનનાર ખેડૂત અરજણભાઈએ હળવદ પોલીસ મથકમાં બે અજાણ્યા લૂંટારા ઈસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.