મોરબીના વેપારીને ફોન પર રાજ્યસેવક હોવાનું કહી ડરાવ્યા બાદ રૂપિયા ૩૦ હજારની લૂંટ ચલાવનારા ત્રણ સામે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. ત્યારે બી ડિવિઝન પોલીસે ત્રણેય આરોપીઓ સામે આઇપીસી કલમ ૪૧૯, ૧૭૦ અને ૧૧૪ મુજબની કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર વસાવા દ્વારા ચલાવવામાં આવી છે.
મોરબી શહેરના રવાપર ધુનડા રોડ પર આવેલ વેલકમ પ્રાઇડના ફ્લેટનં.૨૦૧માં રહેતા અમિતકુમાર દલીચંદભાઈ વરમોરા ઉવ. ૩૯ નામના વેપારી સાથે થયેલ છેતરપિંડી અંગે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં આરોપી દિલીપભાઇ વાઘજીભાઇ જીવાણી રહે.મોરબી વિજયનગર, હિતેષભાઇ કેશવજીભાઇ કામરીયા રહે.ગામ હડમતીયા તા.ટંકારા તથા હિમાંશુ ભટ્ટ નામના વ્યક્તિ વિરુદ્ધ ફરીયાદી અમિતભાઈના જણાવ્યા અનુસાર, આરોપી દિલીપભાઈ વાઘજીભાઈ જીવાણીના કહેવાથી આરોપી નં.૨ હિતેષભાઈ કેશવજીભાઈ કામરીયાએ પોતે રાજ્યસેવક હોવાનું જણાવી ફરીયાદી સાથે ફોનમાં ડરાવી ધમકાવીને રૂપિયાની લેવડદેવડ સંબંધિત પ્રશ્ન “સોલ્વ” કરાવવાના બહાને DYSP તરીકે ખોટી ઓળખ ઉભી કરીને ફરીયાદી સાથે છેતરપિંડી કરી હતી. અને ગઈ તા. ૦૫/૦૧/૨૦૨૪ના રોજ મહેન્દ્રનગર ચોકડી હરિગુણ બિઝનેસ સેન્ટર ફરીયાદીની ઓફીસ ખાતે આરોપી હિતેશ કામરીયા આવી આરોપી હિમાંશુ ભટ્ટ મો. ૮૮૪૯૦ ૧૧૭૯૩ના નામે ગૂગલ પે દ્વારા રૂપિયા ૩૦,૦૦૦/- ટ્રાન્સફર કરાવ્યા હતા. ત્યારબાદ આરોપી હિતેશભાઈએ તે રકમ મેળવી લીધી હોવાનું ફરિયાદમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે. હાલ બી ડિવિઝન પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ છેતરપિંડી, રાજ્ય સેવકની ખોટી ઓળખ આપવી તથા રાજ્યસેવકની ઓળખ પ્રમાણે વર્તન કરી છેતરપીંડી કરવા સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ ચલાવી છે