મોરબી એસઓજી પોલીસ ટીમે વાંકાનેરના રાતીદેવળી ગામની સીમમાં આવેલ ખેતરમાં રેઇડ કરી ગેરકાયદેસર વાવેતર કરાયેલ ગાંજાના છોડ અને પાંદડાનો ૧૧ કિલોથી વધુનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો છે. આ સાથે ખેતર માલીક આરોપીની અટક કરી, આરોપી સામે એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
વાંકાનેર તાલુકાના રાતીદેવળી ગામમાં રહેતા બચુભાઇ સાંકરીયા વિરુદ્ધ મોરબી એસઓજી પોલીસ ટીમને ખાનગીરાહે મળેલ બાતમી અનુસાર, આરોપીએ પોતાના કબ્જાના ખેતરમાં ગેરકાયદેસર રીતે વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજાનું વાવેતર કરી, છોડને કાપી-વાઢી તેમજ સુકવી વેચાણ માટે તૈયાર રાખ્યા હોવાની ચોક્કસ બાતમીને આધારે એસઓજી ટીમે ઉપરોક્ત ખેતરે રેઇડ કરી હતી. એસઓજી પોલીસે સ્થળ પરથી અર્ધસૂકાયેલા ગાંજાના છોડ નંગ-૧૯૦ જેમનું ચોખ્ખુ વજન ૫ કિલો ૬૦૫ ગ્રામ કિ.રૂ.૫૬,૦૫૦/- આ ઉપરાંત ગાંજાના પાંદડા અને ડાળખાનું વજન ૬ કિલો ૦૫૫ ગ્રામ જેની કિ.રૂ. ૬૦,૫૫૦/- કુલ ૧૧ કિલો ૬૬૦ ગ્રામ ગાંજાની કિંમત રૂ. ૧,૧૬,૬૦૦/-ના જથ્થા સાથે આરોપી બચુભાઇ રાણાભાઈ સાંકરીયા ઉવ.૮૦ ની અટકાયત કરવામાં આવી છે. આ સાથે પોલીસે આરોપી વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસ મથકમાં
એન.ડી.પી.એસ. એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી કરવામાં આવી છે