દાઢીવાળા શખ્સ સહિત છ ઈસમોએ બે અલગ ઘટનાઓમાં ધોકા વડે ઘાતકી હુમલો કરી રોકડ રકમ અને ચેનની લૂંટ ચલાવી, પોલીસ તપાસ શરૂ.
મોરબી તાલુકાના હરીપર ગામ અને શહેરના વીસીપરા અમરેલી રોડ ઉપર ધોળા દિવસે બે અલગ અલગ ઘટનામાં મોટરસાયકલ પર આવેલા છ લૂંટારૂઓએ બે વ્યક્તિઓને બેફામ માર મારી લૂંટ ચલાવી હતી. બંને ઘટનામાં આરોપીઓએ ધોકા વડે હુમલો કરી રોકડ રકમ તથા સોનાની ચેન લૂંટી લઈ ફરાર થઈ ગયાં હતા. હાલ પોલીસે છ લૂંટારૂઓ વિરુદ્ધ ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.
મોરબી જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે પડકારરૂપ બનતી ઘટનાઓમાં હરીપર કેરાળા ગામ પાસે આવેલા ચાના સ્ટોલ અને મોરબી વીસીપરા અમરેલી રોડ પર બે અલગ અલગ જગ્યાએ ધોળે દિવસે લૂંટના બનાવો સર્જાયા છે. પ્રથમ ઘટનામાં હરીપર ગામની છે, જ્યાં વેલેન્જા કારખાનામાં મજૂરી કરી ગુજરાન ચલાવતા અને મૂળ દેવળીયા ગામ તા.હળવદના વતની પ્રકાશભાઈ ઉર્ફે પકો રામુભાઈ મંદુરીયા ઉવ.૪૫ પોતાના ઘર નજીક ચા લેવા ગયા હતા. ત્યારે બે મોટરસાયકલ પર સવાર છ અજાણ્યા ઈસમો ત્યાં ચા સ્ટોલ નજીક પુલિયા પાસે પહોંચી, જેમાં મોટર સાયકલ સવાર દાઢીવાળા શખ્સે પ્રકાશભાઈ પાસે ૫૦ હજારની માંગણી કરી ઝપાઝપી શરૂ કરી હતી. બાદમાં ઘોકા વડે બેફામ માર મારી, પ્રકાશભાઈ પાસે રહેલા રૂ. ૩૦,૦૦૦ રોકડ લૂંટી લીધાં અને પોલીસને જાણ કરશો તો જાનથી મારી નાંખીશું એવી ધમકી આપી ફરાર થઈ ગયાં હતાં. જ્યારે બીજી ઘટનામાં મોરબી વીસીપરા અમરેલી રોડ પર બની હતી, જ્યાં વિશ્વરાજસિંહ જાડેજા નામના યુવક ઉપર પણ આ જ રીતે હુમલો કરી લૂંટ ચલાવવામાં આવી હતી, જેમાં છ શખ્સોએ મારપીટ કરી હતી. તેમની પાસેથી રૂ. ૨૦,૦૦૦ રોકડ રકમ, સોનાની ચેન તથા મોટરસાયકલની લૂંટ ચલાવવામાં આવી હોવાનું ખુલ્યું છે.
હરિપર ગામના બનાવમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા પ્રકાશભાઈને મોરબી સિવિલ બાદ વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલ મોરબી પોલીસે બંને લૂંટની ઘટનામાં અલગ અલગ કડીઓ જોડી લૂંટારું ગેંગને પકડી લેવા અલગ અલગ દિશામાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે