ગુજરાતના રાજકીય પટલ પર આમ આદમી પાર્ટી (AAP) એ વિસાવદર વિધાનસભા પેટાચૂંટણીમાં ઐતિહાસિક જીત હાંસલ કરી છે. આ જીતની ઉજવણી ટંકારામાં ભવ્ય રીતે કરવામાં આવી છે. જ્યાં પાર્ટીના કાર્યકર્તાઓ અને સમર્થકોએ ‘જય ગોપાલ, જય ગોપાલ’ના ગગનભેદી નારા સાથે આતશબાજી ફોડી એક બિજામાં મોઢા મિઠા કરી આનંદની લાગણી વ્યક્ત કરી હતી.
ગુજરાતના વિસાવદર અને કડી વિધાનસભા બેઠકની પેટા ચુંટણી યોજાઈ હતી. જેમાં વિસાવદર બેઠક પર આમ આદમી પાર્ટીએ જીત હાંસિલ કરી ઐતિહાસિક વિજય મેળવ્યો છે. વિસાવદર પેટાચૂંટણીમાં AAPના ઉમેદવાર ગોપાલ ઈટાલિયાએ ભાજપ અને કોંગ્રેસ જેવા મજબૂત પ્રતિસ્પર્ધીઓને પછાડીને મોટા માર્જિનથી વિજય મેળવ્યો છે. જે જીતને ગુજરાતના રાજકારણમાં AAPની વધતી તાકાત અને લોકોના વિશ્વાસના પ્રતીક તરીકે જોવામાં આવી રહી છે. વિધાનસભા બેઠકની પેટા ચુંટણીમાં ભવ્ય વિજય થતાં ટંકારાના નગરજનો અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ વિજયને લોકશાહીની જીત ગણાવી અને ગોપાલ ઈટાલિયાના નેતૃત્વની પ્રશંસા કરી હતી. તે ઉજવણી દરમિયાન ટંકારા લતીપર ચોકડી ખાતે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. ‘જય ગોપાલ’ના નારાઓથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. આતશબાજીના રંગબેરંગી પ્રકાશથી આકાશ ઝગમગી ઉઠ્યું હતુ. જે પ્રસંગે સ્થાનિક આગેવાન પ્રકાશ દુબરીયા એ જણાવ્યું કે, વિસાવદરની જનતાએ આમ આદમી પાર્ટી પર વિશ્વાસ મૂક્યો છે. અને આ જીત લોકોની આકાંક્ષાઓને પૂર્ણ કરવાની જવાબદારી આપે છે.
આ તકે ટંકારા આપ સંગઠન પ્રમુખ નરોત્તમ ગોસરા, ઉપપ્રમુખ રાજેશ રૈયાણી ટંકારા ટિમના ધર્મેન્દ્ર કક્કડ સહિતના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહી ભવ્ય ઉજવણી કરી હતી.