વિદ્યાર્થીઓના ઉત્કૃષ્ટ પ્રદર્શન માટે કોળી ઠાકોર સમાજે યોજ્યો સન્માન સમારંભ, સમાજના શિક્ષણ વિકાસ માટે ‘શિક્ષણ ભવન’ નિર્માણ અંગે ચર્ચા.
મોરબી જીલ્લામાં કોળી ઠાકોર સમાજના વિદ્યાર્થીઓને અભ્યાસક્ષેત્રે પ્રોત્સાહન આપવા માટે “વિદ્યાર્થી ઉત્કર્ષ સન્માન સમારંભ”નું આયોજન તારીખ ૨૨ જૂન, ૨૦૨૫ના રવિવારના રોજ મોરબી ખાતે કરવામાં આવ્યું હતું. મોરબી જીલ્લા કોળી ઠાકોર સમાજ વિદ્યાર્થીઓના ઉત્કર્ષ મંડળના આયોજક તરીકે જગદીશભાઈ જી. બાંભણિયા, અજયભાઈ વાઘાણી, રાજેશભાઈ છેલાણીયા, અવચરભાઈ દેગામા અને સુરેશભાઈ સીરોયાએ આ સમારંભ સફળતાપૂર્વક યોજ્યો હતો.
આ કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે ગુજરાત ચુંવાળિયા કોળી ઠાકોર સમાજના પ્રમુખ ધર્મેશભાઈ ઝીંઝુવાડિયા, દિનેશભાઈ મકવાણા, તેમજ મોરબી-માળિયા વિધાનસભાના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, અને ઓબીસી પંચ ગુજરાતના તારકભાઈ ઠાકોર ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન સમાજના વિદ્યાર્થીઓ તથા વિદ્યાર્થિનીઓના શૈક્ષણિક યોગદાન અને સફળતા બદલ સન્માન અને સિલ્ડ આપી પ્રોત્સાહિત કરાયા હતા. સાથે સાથે સમાજના ભવિષ્યમાં વધુ પ્રગતિ માટે શિક્ષણ ક્ષેત્રે યોગ્ય પગલાં લેવા તથા “શિક્ષણ ભવન” બનાવવાના અભિપ્રાય અંગે ચર્ચા અને મંતવ્યો લેવામાં આવ્યા હતા.
કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં સમાજના આગેવાનો, વિદ્યાર્થીઓ અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. સમાજના યુવાનોએ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ભારે જહેમત ઉઠાવી હતી.