મોરબી શહેરમાં પીવા લાયક પાણીની ભયાનક પરિસ્થિતિ સામે જીલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ કિશોરભાઈ ચિખલીયાએ મહાનગરપાલિકા કમિશ્નરને લેખિતમાં રજુઆત કરી છે. ટેક્સ વસુલ્યા પછી પણ પ્રાથમિક સુવિધાઓના અભાવે જનતાની તકલીફો વધતા ફિલ્ટર પ્લાન્ટની તાત્કાલિક રિપેરીંગની માંગ ઉઠાવવામાં આવી છે.
મોરબી શહેરમાં છેલ્લા ઘણા સમયથી પીવા માટે મળતા પાણીની ગુણવત્તા પર ગંભીર સવાલો ઉઠાવવામાં આવ્યા છે. આ સંદર્ભે મોરબી જીલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ કિશોરભાઈ ચિખલીયાએ મહાનગરપાલિકા કમિશ્નરને લેખિત રજૂઆત કરી જણાવ્યુ હતું કે, હાલ મોરબીના નાગરિકોને જે પાણી પીવા માટે મળી રહ્યું છે, તે જોઈને એવું લાગી આવે છે કે શું આ પાણી ગટરના સ્તરની ગણતરીમાં આવે? જો આ પાણીનું મેડિકલ લેબોરેટરીમાં ટેસ્ટિંગ થાય તો તંત્ર માટે આંખ ખુલે તેવી હકીકત સામે આવી શકે છે. શહેરમાં આ પ્રકારનું અશુદ્ધ પાણી મળવાનું મુખ્ય કારણ ફિલ્ટર પ્લાન્ટોના રિપેરીંગના અભાવે બંધ હોવાનું છે. હાલમાં વરસાદી સિઝનમાં નવા પાણીની આવકથી ગંદકી વધે છે ત્યારે બંધ હાલતમાં આવેલા ફિલ્ટર પ્લાન્ટ મોરબીની જનતાના આરોગ્ય માટે ગંભીર ખતરો છે.
વધુમાં રજુઆતમાં વધુમાં જણાવ્યું હતું કે, નાગરિકો પાસેથી નિયમિત ટેક્સ વસુલાતા હોવા છતાં પાણી જેવી પ્રાથમિક સુવિધા પણ મળી રહી નથી. જ્યારે પાલિકા તંત્ર ડીમોલિશનમાં વ્યસ્ત છે ત્યારે નાગરિકોની આરોગ્યની સુરક્ષા સામે બેદરકારી હોવી તે એક આશ્ચર્યજનક બાબત કહેવાય, આ સાથે તેમણે માંગ કરી છે કે, તાત્કાલિક ધોરણે શહેરના તમામ ફિલ્ટર પ્લાન્ટનું રીપેરીંગ કામ કરવામાં આવે અને પીવા લાયક શુદ્ધ પાણી નાગરિકોને પૂરું પાડી મહાનગરપાલિકા તેની નૈતિક જવાબદારી નિભાવે તેવી માંગણી સાથે રજુઆત કરવામાં આવી છે.