મોરબીમાં ચોમાસાની ઋતુ શરૂ થઈ ગયાં હોવા છતાં મહાનગરપાલિકા દ્વારા માર્ગ ખોદકામના કામો ચાલુ રાખવામાં આવતા, શહેરના અનેક વિસ્તારોમાં ટ્રાફિક જામ, અવ્યવસ્થા અને ઇમરજન્સી સેવાઓ માટે ખતરો ઊભો થયો છે. આ મુદ્દે મોરબીના સામાજિક કાર્યકરો દ્વારા મહાનગરપાલિકા કમિશ્નર, કલેક્ટર તથા ધારાસભ્યને સંયુક્ત લેખિત રજુઆત કરવામાં આવી છે.
મોરબી શહેરમાં ચોમાસાની ઋતુ વચ્ચે મહાનગરપાલિકા દ્વારા અચાનક શરૂ કરાયેલા રસ્તાના ખોદકામના કામોને લઈ મોરબીના જાણીતા સામાજિક કાર્યકર રાજુભાઈ દવે, જગદીશભાઇ બાંભણિયા, ગીરીશ કોટેચા અને રાણેવાડીયા દેવેશ મેરૂભાઈ સહિતના કાર્યકરોએ રોષ વ્યક્ત કર્યો છે અને મહાનગરપાલિકા કમિશ્નર, જીલ્લા કલેક્ટર અને ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાને લેખિત રજુઆત કરી છે. તેમણે રજુઆતમાં જણાવ્યુ છે કે, સરકારના પરિપત્ર અનુસાર ૧૫ જૂન બાદ વરસાદી ઋતુમાં રોડ રસ્તાના કોઈપણ કામો ન થવા જોઈએ છતાં મોરબીમાં ઠેર ઠેર ખોદકામ ચાલી રહ્યું છે. શહેરના મુખ્ય રસ્તાઓ, રેલવે સ્ટેશન રોડ અને બજાર વિસ્તારમાં રસ્તાઓ ખોદવામાં આવતા વાહનચાલકો તેમજ એમન્યુલન્સ ૧૦૮ જેવી ઇમરજન્સી સેવાઓને મુશ્કેલી ભોગવવી પડી રહી છે.
સામાજિક કાર્યકરોએ વધુમાં જણાવ્યું કે, મોરબી મહાનગરપાલિકા નાગરિકોના ટેક્સના બદલામાં યોગ્ય સુવિધાઓ આપવા માટે નિષ્ફળ સાબિત થઈ છે. વિકાસના કામો પર ધ્યાન આપવાને બદલે માત્ર ડીમોલિશનમાં રસ ધરાવતા તંત્રના કારણે રેલવે સ્ટેશન રોડ પરનું કામ પૂર્ણ ન થતાં દરરોજ ટ્રાફિક જામના દ્રશ્યો સામે આવે છે. આ ઉપરાંત તેમણે આરોપ મૂક્યો કે, મહાનગરપાલિકા દ્વારા ભયાનક બેદરકારી દાખવવામાં આવી રહી છે. તંત્રમાં વ્યવસ્થા તેમજ આયોજનનો અભાવ અને ગેરવ્યવસ્થાનો ભોગ નિર્દોષ નાગરિકો બની રહ્યા છે. વિકાસ કાર્યમાં પારદર્શકતા અને જવાબદારી હોવી જરૂરી છે. જે રોડ તેમજ વિકાસના જે પણ કામોના થતા હોય ત્યાં ધારાસભ્ય તથા કમિશ્નરે સ્થળ ઉપર જઈ ચોકસાઈ કરવી જોઈએ અને નબળા કામો સામે પગલા લેવા જોઈએ, જેથી શહેરના નાગરિકોને રાહત મળે જે મુજબની રજુઆત કરવામાં આવી છે.