મોરબી તાલુકાના ભરતનગરથી આગળ હરિપર કેરાળા ગામના પાટીયા પાસે મોટર સાયકલ લઈને જતા બે મિત્રો માર્ગ અકસ્માતનો ભોગ બન્યા હતા, જેમાં પુરપાટ ઝડપે આવતા ટ્રક ટ્રેઇલરે મોટર સાયકલને પાછળથી ઠોકરે ચડાવતા, મોટર સાયકલ સવાર બંને મિત્રો રોડ ઉપર પટકાયા હતા, જેમાં મીટર સાયકલ ચાલક યુવકને છાતીના ભાગે તથા શરીરે ગવમભીર ઇજાઓ પહોચતા તેનું સ્થળ ઉપર મૃત્યુ નીપજ્યું હતું, જ્યારે પાછળ બેઠેલા યુવકને માથામાં અને શરીરે ઇજાઓ પહોચતા તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, ત્યારે સમગ્ર અકસ્માતના બનાવ અંગે ઇજાગ્રસ્ત યુવકની ફરિયાદને આધારે તાલુકા પોલીસે ટ્રક ટ્રેઇલર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
મળતી વિગતો મુજબ, મોરબીના લખધીરપુર રોડ ઉપર હોલીસ સીરામીકમાં લેબર કોલોનીમાં રહેતા મૂળ મધ્યપ્રદેશના વતની વિરેન્દ્રભાઈ હીરાલાલ સેન ઉવ.૨૦ અને તેમનો મિત્ર બેટુભાઈ સુરેશભાઈ પારધી રહે. હાલ ગાલા ગામ નજીક ફ્યુચર સીરામીક મૂળ મધ્યપ્રદેશ વાળા ગઈ તા.૨૯/૦૬ ના રોજ રાત્રીના હોલીસ સીરામીક લખધીરપુર રોડ ઉપરથી ગાળા ગામ ફ્યુચર સીરામિકે હીરો કંપનીનું ડિલક્ષ મોટર સાયકલ રજી.નં. જીજે-૩૬-ક્યુ-૪૯૭૩ લઈને જતા હતા ત્યારે ભરતનગરથી હરિપર કેરાળા ગામના પાટીયા પાસે પહોંચ્યા હતા, તે દરમિયાન ટ્રક-ટ્રેઇલર રજી.નં. જીજે-૧૨-એઝેડ-૦૧૬૩ ના ચાલકે પોતાના હવાલા વાળું વાહન ફૂલ સ્પીડમાં તથા બેદરકારી રીતે ચલાવી આગળ જઈ રહેલા મોટર સાયકલને એકદમ જોરદાર ટક્કર મારી અકસ્માત સર્જ્યો હતો, અકસ્માતમાં મોટર સાયકલ સવાર બંને મિતો રોડ ઉપર પટકાયા હતા, ત્યારે મોટર સાયકલ ચાલક બેટુભાઈ સુરેશભાઈને છાતીમાં અને શરીરે ઇજાઓ પહોચતા તેનું કરૂણ મોત થયું હતું. જ્યારે મોટર સાયકલ પાછળ બેઠેલા વિરેન્દ્રભાઈને માથામાં ઇજાઓ પહોંચી હતી. અકસ્માતના આ બનાવ અંગે ઇજાગ્રસ્ત વિરેન્દ્રભાઈએ તાલુકા પોલીસ મથકમાં ટ્રક ટ્રેઇલરના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા, તાલુકા પોલીસે આરોપી સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.