હળવદ તાલુકાના ચરાડવા ગામે પિતા પુત્ર વચ્ચે અવાર નવાર થતા ઝઘડાનું ખુબ જ ગંભીર પરિણામ આવ્યું છે જેમાં પિતાના હાથે પોતાના જ યુવાન પુત્રની હત્યા થઈ હોવાનો બનાવ સામે આવ્યો છે.
મોરબી શહેરના સામાકાંઠે ભડીયાદ રોડ પર રહેતા મૃતક યુવકના પિતરાઈ ભાઈ દિનેશભાઈ મગનભાઈ સોલંકી દ્વારા ચરાડવા પોલીસ મથકે આરોપી દેવજીભાઈ કરશનભાઇ સોલંકી (રહે.ચરાડવા તા. હળવદ) વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે.જેમાં તેમણે જણાવ્યુ હતું કે,તેમના કાકા દેવજીભાઈ સોલંકી અને તેમનો પુત્ર મનોજ ઘણા સમયથી એકસાથે ચરાડવા ગામે રહે છે.મનોજ કોઈ કામકાજ ન કરતો હોય અને રખડતો રહેતો હોય જે બાબતે તેમના પિતા વારંવાર તેને કામ કરવા કહેતા હતા, જેના કારણે બંને વચ્ચે ઝઘડા થતા રહેતા. ત્યારે ગઈકાલ તા.૦૨/૦૭ના રોજ તેમના કાકા દેવજીભાઈ અને તેના પુત્ર મનોજ વચ્ચે બોલાચાલી થયા બાદ ઝઘડો થયો હતો, અને તે દરમિયાન દેવજીભાઈએ દોરીથી મનોજને ગળે ટુપો દઈને મોતને ઘાટ ઉતાર્યો હતો. હાલ હળવદ પોલીસે ફરિયાદી દેવજીભાઈ સોલંકીની ફરિયાદને આધારે આરોપી દેવજીભાઈ વિરુદ્ધ બીએનએસ કલમ ૧૦૩(૧) હેઠળ ગુનો નોંધી આગળની તપાસની તજવીજ હાથ ધરી છે