મોરબીના મહેન્દ્રનગર વિસ્તારમાં જી.ઈ.બી.ના ટીસીમાં ઈલેક્ટ્રિક શોક લાગતાં અજાણ્યા પુરુષનું મોત નીપજયું છે. શહેર બી ડિવિઝન પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની તપાસ ચલાવી છે.
મોરબી શહેરના મહેન્દ્રનગર ગામની સીમમાં, ટીંબાવાડી વિસ્તારમાં ગઈ તા.૦૫ જુલાઈના સાંજના સમયે એક અજાણ્યા પુરૂષ ઉંમર આશરે ૩૦ વર્ષ વાળાને ઈલેક્ટ્રિક શોક લાગતાં મોત થયાનું સામે આવ્યું છે. મહેન્દ્રનગરમાં પટેલનગરમાં રહેતા જગદીશભાઈ બેચરભાઈ કાવર દ્વારા ઘટના અંગે જાહેર કર્યું કે તેમની વાડી સામે આવેલ જી.ઈ.બી.ના ટીસીમાં અજાણ્યા પુરુષને કોઈ કારણોસર ઈલેક્ટ્રિક કરંટ લાગતા તેનું મૃત્યુ નીપજ્યું હતું. હાલ બી ડિવિઝન પોલીસે અ.મોતની નોંધ કરી અજાણ્યા પુરુષના વાલી વારસ શોધવા તજવીજ હાથ ધરી છે.