રાજકોટના ઉદ્યોગપતિએ મોરબીના પાંચ ભાગીદારો વિરુદ્ધ ૮૧ લાખથી વધુની છેતરપિંડી કર્યાની ફરિયાદ નોંધાવી.
મોરબી: રાજકોટ રહેતા ઉદ્યોગપતિએ મોરબી સ્થિત કેબલ બનાવવાનું કારખાનું ભાગીદારીમાં શરૂ કર્યું હતું. ત્યારે આ કારખાનામાં ફેક્ટરીના અન્ય ભાગીદારોએ ખોટા હિસાબો, નકલી ભાગીદાર તથા ઉછીના નાણાંની ખોટી એન્ટ્રીઓ દ્વારા રાજકોટના ઉદ્યોગપતિ સાથે છેતરપિંડી, વિશ્વાસઘાત કરી મોટું આર્થિક નુકશાન કર્યાનું સામે આવ્યું હતું, જે આધારે રાજકોટના ઉદ્યોગપતિએ તેમના પાંચેય ભાગીદારો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા, પોલીસે તમામ આરોપીઓ સામે ગુનો નોંધી આગળની તપાસની તજવીજ હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, ઉપાસના પાર્ક, આસોપાલવ ફ્લેટ-૩૦૧, ૧૫૦ ફુટ રીંગ રોડ, રાજકોટ રહેતા હેમેન્દ્રભાઈ હરિલાલભાઈ શીલુ ઉવ.૪૨એ મોરબી તાલુકા પોલીસ મથકમાં આરોપી હિતેશભાઈ નથુભાઈ કૈલા, સુમિતાબેન હિતેશભાઈ નથુભાઇ કૈલા બન્નેરહે. ૩૦૪ સત્યમ હાઇટ્સ ઉમા ટાઉનશીપ મોરબી, રવિભાઈ કાંતિલાલ ડઢાણીયા રહે.૪૦૨ સત્યમ હાઇટ્સ ઉમા ટાઉનશીપ મોરબી તથા અશ્વીનભાઈ નથુભાઈ કેલા રહે. મોરબી, રજનીભાઈ અરજણભાઈ હેરણીયા રહે. નિકુંજ પાર્ક રવાપર રોડ મોરબી વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી જાહેર કર્યું કે, મોરબીના પીપળી ગામની સીમમાં ભાગીદારી ફર્મ “એચ.આર. કેબલ ફેક્ટરી”ના સંદર્ભે ઉપરોક્ત ભાગીદારો વિરુદ્ધ ફરિયાદમાં જણાવ્યું છે કે, ભાગીદારો હિતેશભાઈ નથુભાઈ કૈલા તથા રવિભાઈ કાંતિલાલ ડઢાણીયાને વ્યવસાયના તમામ હિસાબ-કિતાબ અને વહીવટ સોંપ્યા હતા. ત્યારે ફેક્ટરીના હિસાબમાં ગેરરીતિઓ જણાતાં ફરીયાદી અને તેમની પત્નીએ ભાગીદારીમાંથી છુટા થવાનું જાહેર કરતા તમામ આરોપી ભાગીદારોએ સાથે મળીને ષડયંત્ર રચ્યું હતું.
આરોપીઓએ પવનસુત એન્જિનિયરિંગના ખોટા હિસાબો રજૂ કરી બે નકલી ભાગીદારો બતાવ્યા અને તેમની ભાગીદારી કર્યાનું દેખાડી રૂ.૧૬,૨૫,૦૦૦/-ની ખોટી એન્ટ્રીઓ કરી. તદુપરાંત, કારખાનાની જરૂરિયાતના નામે અલગ અલગ લોકો પાસેથી ઉછીના નાણા લઇ રૂ.૫,૫૨,૫૦૦/- ના વ્યાજની ખોટી એન્ટ્રી બતાવી હતી. આરોપીઓએ ફેક્ટરીના વોચમેનને ગાળો આપી, જાનથી મારી નાખવાની ધમકી આપી ફેક્ટરીમાંથી અંદાજે રૂ.૪૦ લાખનો માલસામાન અને મશીનરી બે આઇસર ગાડી જીજે-૧૪-એક્સ-૭૦૭૬ અને જીજે-૨૧-સીએ-૨૫૮૭ ભરીને લઇ ગયા હતા, ઉપરાંત, ફરીયાદી હેમેન્દ્રભાઈ અને તેની પત્નીના ભાગીદારી નફામાંથી પણ રૂ.૯,૯૬,૫૪૩/- નો ગેરઉપયોગ કર્યો હતો. આમ આરોપીઓએ કારખાનાના વહીવટમાં ખોટી એન્ટ્રીઓ કરી, ખોટા હિસાબો બનાવ્યા અને ફરીયાદી સાથે વિશ્વાસઘાત કરી કુલ રૂ.૮૧,૪૦,૯૮૫/-થી વધુની ધંધાકીય છેતરપિંડી કરી હોવાની ફરિયાદ નોંધાવી છે. હાલ તાલુકા પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ આઇપીસીની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.