વાંકાનેરના માટેલ-ઢુંવા રોડ ઉપર અમરધામ નજીક મોટર સાયકલમાં ૭૫ લીટર દેશી દારૂનો જથ્થો લઈ નીકળેલ એક ઇસમને વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા દબોચી લેવામાં આવ્યો છે, જ્યારે પકડાયેલ આરોપીની સઘન પૂછતાછમાં દેશી દારૂનો જથ્થો અન્ય આરોપીનો હોવાનું જણાવતા, પોલીસે તેને ફરાર જાહેર કરી બન્ને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે.
પ્રાપ્ત માહિતી મુજબ, વાંકાનેર તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન માટેલ ગામ નજીન અમરધામ સામે રોડ ઉપરથી પસાર થતા નંબર પ્લેટ વગરના મોટર સાયકલને રોકી, તેના ચાલક પાસે રહેલ થેલાની તલાસી લેતા તેમાંથી ૭૫ લીટર દેશી દારૂ કિ.રૂ.૧૫,૦૦૦/-મળી આવ્યો હતો. જેથી તુરંત આરોપી ગોપાલભાઈ અવચરભાઈ ચારલા ઉવ.૨૨ રહે.ભીમગુડા તા.વાંકાનેર વાળાની અટકાયત કરવામાં આવી હતી, પકડાયેલ આરોપીની પ્રાથમિક પૂછતાછમાં આ દેશી દારૂનો જથ્થો આરોપી વિજયભાઈ અશોકભાઈ ચારલા રહે.ઢુંવા તા. વાંકાનેર વાળાનો હોવાનું જણાવતા, પોલીસે તે આરોપીને ફરાર દર્શાવી, મોટર સાયકલ તથા દેશી દારૂ સહિત કુલ રૂ.૩૫,૦૦૦/-નો મુદ્દામાલ જપ્ત કરી, બન્ને આરોપીઓ વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.