મોરબીના નવલખી રોડ ઉપર યોગીનગરમાં માવતરે આવેલ પરિણીતાને તેના પતિએ ઘરેણાં ચોરીનો ખોટો આક્ષેપ કરી, અપશબ્દો આપી ઢીકાપાટુનો માર મારવામાં આવ્યા હોવાની અત્રેના બી ડિવિઝન પોલીસ મથકમાં પીડિતા દ્વારા આરોપી પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાતા, પોલીસે ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે.
મળતી માહિતી અનુસાર, મોરબી નવલખી રોડ ઉપર હરિપાર્ક સોસાયટી મકાન નં.૫૮માં રહેતા મૂળ પાટણ જીલ્લાના ગણેશપુરા ગામના વતની જાગૃતિબેન જલાજીભાઈ કાનજીભાઈ ઠાકોર ઉવ.૩૫ એ બી ડિવિઝન પોલીસ મથકમાં પોતાના પતિ જલાજીભાઈ કાનજીભાઈ ઠાકોર રહે. ગણેશપુરા તા.હારીજ જી.પાટણ વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી, જેમાં જણાવ્યા અનુસાર ફરિયાદી જાગૃતિબેન છેલ્લા એક વર્ષથી પોતાની બંને દીકરીઓ સાથે મોરબી સ્થિત પોતાના ઉપરોક્ત મકાને રહે છે, ત્યારે ગઈ તા.૦૫/૦૭ ના રોજ તેમના પતિ આરોપી જલાજીભાઈ ઠાકોર મોરબી આવ્યા હતા, ત્યારે ફરિયાદી જાગૃતિબેન નવલખી રોડ યોગીનગર ખાતે આવેલ તેમના માતાને ઘરે હતા, જ્યાં જાગૃતિબેનના પતિ આવી કહેવા લાગેલ કે ‘ગણેશપુરામાં આવેલ ઘરમાં ઘરેણાની ચોરી તે જ કરી છે’ તેમ કહી જાગૃતિબેનને ગાળો આપી ઢીકા પાટુનો માર મારવા લાગ્યા હતા, અને ‘હવે તું બહાર નીકળે એટલે એસીડ નાખીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. હાલ બી ડિવિઝન પોલીસે જાગૃતિબેનની ફરિયાદને આધારે તેના પતિ આરોપી જલાજીભાઈ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.