મોરબીના ભાજપના ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ જન આંદોલનમાં મીડયા સમક્ષ ગોપાલ ઈટાલિયાને મોરબીમાંથી ચૂંટણી લડવા અંગે ચેલેન્જ આપી હતી. કાંતિ અમૃતિયાની ચેલેન્જને ગોપાલ ઈટાલિયાએ સ્વીકારી લેતા રાજકારણમાં ગરમાવો આવ્યો છે. ત્યારે હવે મોરબીમાં ભાજપના જિલ્લા પંચાયતના ચેરમેન અજય લોરિયાએ જ ધારાસભ્ય કાંતિ અમૃતિયા પર સણસણતા આક્ષેપ કર્યા છે.
મોરબીમાં ભાજપના જિલ્લા પંચાયતના ચેરમેન અજય લોરિયાએ ધારાસભ્ય કાંતિ અમૃતિયા પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, ધારાસભ્ય કાંતિ અમૃતિયા 30 વર્ષ ધારાસભ્ય રહ્યા પણ મોરબીમાં કાઈ કર્યું નથી. ધારાસભ્ય અહીં ન હતા અને આંદોલન કરી રહેલા લોકોને હું સમજાવવા ગયો, મારા ખર્ચે વાઇબ્રેટ રોડ રોલર મંગાવીને મદદ કરી તો મેં શું ખોટું કર્યું ? મારી મદદની મળેલ કાંતિ અમૃતિયાએ એવું કહ્યું કે, કોઈએ અહીં આવીને દાતારી કરવી નહીં સરકાર પાસે ઘણા રૂપિયા છે. સરકાર પાસે રૂપિયા છે જ અને સરકારમાંથી કરોડો રૂપિયા આવે છે તો રૂપિયા જાય છે ક્યાં ? છેલ્લા ૨૪ વર્ષથી મોરબી સિવિલ હોસ્પિટલમાં સુપ્રિટેન્ડેન્ટ ડૉ.દુધરેજીયાની બદલી કેમ નથી થતી? સરકારી હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડૉ. દૂધરેજીયા પાસેથી કાંતિભાઈએ ૧૦ લાખ રૂપિયા લીધા છે. જેનો તેઓના ચૂંટણી ફોર્મના સોંગદનામામાં ઉલ્લેખ છે. અજય લોરિયાએ વધુમાં કહ્યું હતું કે, મારી નવરાત્રીનું આયોજન ન થાય તે માટે પણ કાંતિભાઈએ ઘણા પ્રયત્નો કર્યા છે. એક દિવસે શનાળા રોડ ચકાજામ થયો ત્યારે તમે ગાંધીનગર હતા. બીજે દિવસે રામચોક અને પંચાસર રોડ ચક્કાજામ થયો ત્યારે તો તમે મોરબીમા જ હતા. તો કેમ લોકોની વચ્ચે ન આવ્યા? વારંવાર નાની નાની વાતના વિડિઓ બનાવો છો તો આવડું મોટું આંદોલન થયું લોકોને સમજાવવા ગાંધીનગરથી વિડિઓ કેમ ન બનાવ્યો? ત્યારે ભાજપના જ નેતાએ ભાજપના જ ધારાસભ્ય પર સવાલો ઉઠાવતા મોરબીના રાજકારણમાં ગરમાવો આવ્યો છે.