મોરબી-૨ માળીયા વનાળીયા વિસ્તારમાં તાંત્રિક વિધીનો શક રાખી પડોશમાં રહેતા પિતા-પુત્રએ ૭૫ વર્ષીય વૃદ્ધને અપશબ્દો આપી બેફામ લાકડીઓ ફટકારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જે બનાવ અંગે હાલ વૃદ્ધ દ્વારા પોલીસમાં ફરિયાદ નોંધાવતા, પોલીસે બન્ને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી આગળની તજવીજ શરૂ કરી છે.
પ્રાપ્ત વિગતો મુજબ, મોરબીના સામાકાંઠે માળીયા વનાળીયા સરકારી સ્કૂલની બાજુમાં રહેતા રામજીભાઈ વશરામભાઈ અંબાલીયા ઉવ.૭૫ એ બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી જાહેર કર્યું કે ગઈકાલ તા.૧૦/૦૭ ના રોજ વહેલી સવારે રામજીભાઈ તેના નિત્યક્રમ મુજબ ચાલવા જતા હતા ત્યારે પડોશમાં રહેતા તેમના કુટુંબી ભલાભાઈ માલાભાઈ અંબાલીયા અને તેનો પુત્ર કમેલેશભાઈ ભલાભાઈ અંબાલીયા ઘરની બહાર લાકડીઓ લઈને બેઠા હતા, અને ત્યારે રામજીભાઈને જોઈ બન્ને ઉભા થઇ રામજીભાઈ સાથે માથાકૂટ કરવા માંડ્યા, અને કહેલ કે, તમે તાંત્રિક વિધિ કરવા સવારના વહેલા અમારા ઘરની આસપાસ આંટા મારો છો, તમારા લીધે અમારા ઘરમાં સુખ-શાંતિ રહેતી નથી તેમ કહી રંજીભાઈને લાકડીઓ ફટકારવા લાગ્યા, જેથી રામજીભાઈ જીવ બચાવી ત્યાંથી ભાગવા લાગતા, પાછળથી ભલાભાઈએ વાસામાં લાકડીઓ મારી હતી અને કહેતા હતા કે આજે બચી ગયા હવે ભેગા થાય એટલે જાનથી મારી નાખવો છે તેવી ધમકી આપી હતી. જે બાદ રામજીભાઈએ તેના પુત્ર અને પાડોશી સાથે બી ડિવિઝન પોલીસ મથકમાં બન્ને પિતા-પુત્ર વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.