વિદ્યાર્થીઓ વિવિધ આનંદદાયી પ્રવૃત્તિઓ કરી મનોરંજન સાથે જ્ઞાન મેળવે તેમજ સહકાર, નેતૃત્વ, લોકશાહી, સાહસિકતા, સર્જનાત્મકતા, મૌલિકતા વગેરે જેવા કૌશલ્યો કેળવે અને સાથે રોજિંદા જીવનના નાના-મોટા પ્રશ્નો હલ કરવાથી સ્વાવલંબી બને તેવા ઉમદા હેતુથી માળીયા તાલુકાના મોટીબરાર ગામની રત્નમણિ પ્રાથમિક શાળામાં બાળમેળા અને લાઈફ સ્કિલ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.
માળીયા તાલુકાની મોટીબરાર પ્રાથમિક શાળામાં બાળમેળો અને લાઈફ સ્કિલ મેળો યોજાયો હતો. જેમાં શાળાના શિક્ષકો દિક્ષિતાબેન મકવાણા, રમેશચંદ્ર કાનગડ, રવિ મઠિયા તેમજ આચાર્ય અનિલ બદ્રકિયાના માર્ગદર્શન હેઠળ બાળ મેળા અંતર્ગત ધોરણ બાળવાટિકાથી 5 ના વિદ્યાર્થીઓએ બાળવાર્તા, હાસ્ય દરબાર, વેશભૂષા, છાપકામ, ચીટકકામ, માટીકામ, ચિત્રકામ, રંગપૂરણી વગેરે જેવી પ્રવૃત્તિઓ કરી હતી. જ્યારે લાઈફ સ્કિલ મેળા અંતર્ગત ધોરણ 6 થી 8 ના વિદ્યાર્થીઓએ ખીલ્લી લગાવવી, સ્ક્રુ લગાવવો, કુકર ખોલવું/બંધ કરવું, ઈસ્ત્રી કરવી, ફ્યુઝ બાંધવો, બટન ટાંકવા, વજન/ઉંચાઈ માપવા, મહેંદી મુકવી, વેસ્ટમાંથી બેસ્ટ તેમજ વિવિધ સ્ટોલ મારફત વસ્તુઓના ખરીદ વેચાણ અંગેની પ્રવૃતિઓ કરી હતી.