મોરબી જીલ્લામાં ત્રણ બ્રિજ જેમાં માળીયા-પીપળીયા હાઈવે, વાંકાનેર-કુવાડવા રોડ અને ધાંગધ્રા-કુડા-ટીકર રોડ પર આવેલા પુલો પર હાલ માટે ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. સુરક્ષા અંગેની તપાસ અને રિપેરિંગ દરમિયાન વાહનચાલકોને વૈકલ્પિક માર્ગો અપનાવવા સૂચન કરવામાં આવ્યું છે.
વડોદરા જીલ્લાના પાદરા-જંબુસર રોડ પર આવેલ ગંભીરા નદી ઉપરનો પુલ તૂટી પડવાની દુર્ઘટનાના બનાવમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યો તે ઉર્ઘટનાને લઈ સરકારે તમામ જીલ્લાના જર્જરિત પુલો અંગે તાત્કાલિક તપાસના આદેશ આપ્યા છે. તેના અનુસંધાનમાં મોરબી જીલ્લાના ત્રણ પુલો પર સલામતીના ભાગરૂપે ભારે વાહનોના પસાર પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. જીલ્લા કલેક્ટર કે.બી. ઝવેરી દ્વારા જાહેરનામુ પ્રસિદ્ધ કરી માહિતી આપી હતી.
જેમાં માળીયા ગામ પાસે આવેલ આ પુલ હાલ જોખમકારક સ્થિતિમાં હોવાના કારણે અહીંથી ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. ડીઝાઇન ટીમ દ્વારા પુલની સ્થિતિનું નિરીક્ષણ કરવામાં આવશે અને આખરી રિપોર્ટ ન આવે ત્યાં સુધી પ્રતિબંધ યથાવત રહેશે. જે માટે વૈકલ્પિક રૂટમાં અમદાવાદ/કચ્છ તરફથી આવતા વાહનો હવે માળીયાથી પીપળીયા જવાને બદલે મોરબીથી ટંકારા/આમરણ, ધ્રોલ, લતીપર તરફના રસ્તાનો ઉપયોગ કરશે. જ્યારે જામનગરથી આવતા વાહનો પીપળીયા ચાર રસ્તા, મોરબી, માળીયા મારફતે જઇ શકશે. જ્યારે વાંકાનેર-કુવાડવા રોડ ઉપરનો મેજર બ્રિજ ઉપર ભારે ટ્રકો અને અન્ય હેવી વાહનોની અવરજવર બંધ કરાઇ છે. વૈકલ્પિક રસ્તાની વ્યવસ્થામાં રાજકોટ તરફથી આવતા વાહનો માટે બ્રિજના ડાઉન સ્ટ્રીમમાં આવેલ ડાયવર્ઝન રસ્તો ઉપલબ્ધ રહેશે. જ્યારે વાંકાનેર તરફથી આવનારા વાહનો માટે પણ આ જ ડાયવર્ઝન ઉપયોગમાં લઇ શકાશે.આ સિવાય ધાંગધ્રા-કુડા-ટીકર રોડના બ્રિજ ઉપર પસાર થતા રેતી ભરેલા ટ્રકો અને અન્ય હેવી વાહનોને હાલ માટે રોકી દેવામાં આવ્યા છે, કારણ કે બ્રિજ હાલ જર્જરિત છે અને તેની રિપેરિંગ તથા સ્લેબ રીકાસ્ટિંગની કામગીરી હજી અધૂરી છે. આ માટે વૈકલ્પિક રસ્તો હળવદથી આવતા વાહનો હવે ટીકર ગામ માધવનગર થઈને જઈ શકશે. જ્યારે માધવનગરથી આવતા વાહનો પણ ટીકર ગામ થઈ હળવદ જઈ શકે છે. તેમ જાહેરનામામાં જણાવવામાં આવ્યું છે.