મોરબી તાલુકાના મકનસર ગામ નજીક સીએનજી રીક્ષામાં વિદેશી દારૂની વેચાણ કરવાને ઇરાદે હેરાફેરી કરતા બે ઇસમોને મોરબી ક્રાઇમ બ્રાંચ પોલીસ ટીમ દ્વારા દબોચી લેવામાં આવ્યા છે, આ સાથે પોલીસે વિદેશી દારૂની ૩૬ નંગ બોટલ, એક મોબાઇલ તથા સીએનજી રીક્ષા સહિત ૧.૫૫ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. જ્યારે વિદેશી દારૂ આપનાર ચોટીલાના નાના મોલડી ગામના એક શખ્સનું નામ ખુલતા ક્રાઇમ બ્રાંચ પોલીસે કુલ ત્રણ આરોપીઓ વિરુદ્ધ તાલુકા પોલીસ મથકમાં ગુનો નોંધાવી આગળની તપાસ શરૂ કરી છે.
પ્રાપ્ત વિગતો મુજબ, મોરબી એલસીબી પોલીસ ટીમને બાતમી મળી કે, એક સીએનજી રીક્ષા રજી.નં. જીજે-૨૪-ડબલ્યુ-૭૫૫૦ માં વિદેશી દારૂનો જથ્થો લઈને બે શખ્સો વાંકાનેર તરફથી મકનસર તરફ આવી રહ્યા હોય, જેથી તુરંત એલસીબી ટીમ મકનસર ચામુંડા હોટલ સામે વોચમાં હતા, તે દરમિયાન બાતમી મુજબની સીએનજી રીક્ષા ત્યાંથી પસાર થતા તેને રોકી રીક્ષાની તલાસી લેતા તેમાં પ્લાસ્ટિકના બાચકામાં ભરેલ વિદેશી દારૂ ઓલ સિઝન ગોલ્ડન કલેક્શન વ્હિસ્કીની ૩૬ બોટલ કિ.રૂ.૫૦,૪૦૦/-મળી આવી હતી, જેથી તુરંત આરોપી રીક્ષા ચાલક ધર્મેન્દ્રભાઈ રૂગનાથભાઈ એરણીયા ઉવ.૩૪ રહે પીપળી ગામ શિવ પાર્ક શેરી નં. ૨ મૂળરહે. ટીકર તા.હળવદ તથા આરોપી દર્શન ઉર્ફે લાલો કનુભાઈ વરળીયા ઉવ.૩૦ રહે. પીપળી ગામ શિવપાર્ક શેરી નં.૨ મૂળ રહે. હળદળ તા.જી.બોટાદ વાળાની અટકાયત કરવામાં આવી છે, આ સાથે ક્રાઇમ બ્રાંચે સીએનજી રીક્ષા, વિદેશી દારૂ તથા એક મોબાઇલ સહિત કુલ કિ.રૂ.૧,૫૫,૪૦૦/-નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો, જ્યારે પકડાયેલ બન્ને આરોપીઓની વિદેશી દારૂ અંગેની પૂછતાછમાં આ વિદેશી દારૂ ચોટીલા તાલુકાના નાના મોલડી ગામના લાલાભાઈ કાઠી દરબાર દ્વારા ભરી આપવામાં આવ્યો અંગેની કબુલાત આપતા પોલીસે તે આરોપીને ફરાર દર્શાવી કુલ ત્રણ આરોપીઓ સામે તાલુકા પોલીસ મથકમાં ગુનો નોંધાવી ફરાર આરોપીને પકડી લેવા તજવીજ હાથ ધરી છે.