મોરબી જિલ્લાનાં ટીંબડી ગામના પાટીયા પાસે નેશનલ હાઈવે ઉપર રોડની બંને સાઈડ ટ્રક ચાલકો દ્વારા ટ્રકોનું આડેધડ પાર્કિંગ કરવામાં આવતા ગ્રામજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જેના કારણે ગ્રામજનોમાં રોષ ફાટી નીકળ્યો છે. અને મોરબી જિલ્લા ટ્રાફીક પોલીસ ક્યારે જાગશે ?તેવા સવાલો કરી રહ્યા છે. તેમજ તંત્ર અકસ્માત થાય તેની રાહ જોવે તેવો ઘાટ સર્જાયા હોવાનો પણ ગ્રામજનો દ્વારા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે.
મોરબીના ટીંબડી ગામના પાટીયા પાસે ટ્રક ચાલકો દ્વારા આડેધડ પાર્કિંગ કરીને અડીંગો જમાવવામાં આવ્યો છે. અન્ય નાના વાહન ચાલકો માટે મોતને આમંત્રણ આપવા આડેધડ ટ્રકો પાર્ક કરીને ટ્રક ચાલકો બેફામ બન્યા છે. ત્યારે જિલ્લા ટ્રાફીક પોલીસ ટ્રાફીકના નિયમોનુ કયારે પાલન કરાવશે. તેવી સ્થાનીક લોકોમાં ચર્ચા જાગી છે. કેમ કે, અવાર-નવાર ટીંબડી ગામના પાટીયા પાસે ભુતકાળમાં મોટા અકસ્માત સર્જાયા છે. તેમ છતાં આડેધડ પાર્ક કરનારા ટ્રક ચાલકો સામે મોરબી જિલ્લા ટ્રાફીક પોલીસ ક્યારે લાલ આંખ કરશે તે ચર્ચાનો વિષય બન્યો છે. ટીંબડી ગામ આસપાસ ઉધોગો હોવાથી ટીંબડી ગામ તરફ જવાનો રસ્તો છે જ્યાં આડેધડ પાર્ક કરીને અડીંગો જમાવી બેઠેલા ટ્રકોના કારણે ટીંબડી ગામ તરફથી આવતા વાહનોને દેખાતું નથી અને હાઈવે ઉપર ચડતા જ ગંભીર અકસ્માતો સર્જાતા હોય છે. ભુતકાળમાં સર્જાયેલ ગંભીર અકસ્માતોમાં ઘણા બધા બાઈક ચાલકો અને કાર અકસ્માતમાં લોકો મોતને ભેટેલા છે. અકસ્માત બને તેની મોરબી જિલ્લા તંત્ર રાહ જોતું હોય તેવું દેખાઈ રહ્યું છે ! પરંતુ જો કોઈ ગંભીર અકસ્માત સર્જાય કોઈ મોતને ભેટે તો જવાબદારી કોની ?તેવી જોરદાર ચર્ચા થઈ રહી છે. જેથી મોરબી ટ્રાફીક પોલીસ સફાળુ જાગીને ટીંબડી ગામના પાટીયા પાસે અડીંગો જમાવી આડેધડ પાર્કિંગ કરનાર ટ્રક ચાલકો સામે કડક કાર્યવાહી કરે તેવી સ્થાનિકોની માંગ ઉઠી છે અને ગામના પાટીયા આસપાસ બંને સાઈડ ગ્રામજનોને હાઈવે ઉપરના વાહનો દેખાય તે રીતે ખુલ્લી જગ્યા કરાવે તેવી લોકમાંગ ઉઠી રહી છે. અન્યથા કોઈ અઘટિત ઘટના બને અને લોકોનો ઉગ્ર આક્રોશ સાથે ચક્કાજામ જેવા દેખાવો થાય ગંભીર પરીણામનુ નિર્માણ થાય તે પહેલા તંત્ર દ્વારા યોગ્ય પગલાં ભરાઈ તે જરૂરી બન્યું છે. હાલ તો ગુજરાતમાં ઘોડા છુટી ગયા પછી તબેલાને તાળા મારવા સામાન્ય બની ગયું છે. તે જગજાહેર છે તાજેતરમાં પુલ તુટવા જેવી ગંભીર ઘટનાઓ બની છે ત્યારે મોરબી જિલ્લામાં પણ તંત્ર જાગે અને અકસ્માતો ન થાય અકસ્માતોમા ઘટાડો થાય તેવી ટ્રાફીક પોલીસે કામગીરી કરવી જોઈએ. અત્રે ઉલ્લેખનીય છે કે ટીંબડી ગામના પાટીયા પાસે ભુતકાળમાં બનેલી અકસ્માતની ગંભીર ઘટનાઓને ભવિષ્યકાળમાં પણ નોતરશે અકસ્માતને આમંત્રણ આપશે કે પછી તંત્ર કડક કાર્યવાહી કરશે તે આગામી સમય જ બતાવશે