ટંકારા તાલુકાના મિતાણા ગામના ખેડૂતની વાડીમાં ભર ચોમાસે એક અનોખી ઘટનાએ ગામજનોમાં ભારે કુતૂહલ સર્જ્યું છે. જેમાં ટિટોડીએ ચાર ઈંડા મૂક્યા હોવાનું જાણવા મળ્યું છે, જે સામાન્ય રીતે દુર્લભ મનાય છે.
ટંકારા તાલુકાના મિતાણા ગામના ખેડૂત અશોકભાઈ મોહનભાઈ ગજેરાની વાડીમાં ભર ચોમાસે એક અનોખી ઘટનાએ ગામજનોમાં ભારે કુતૂહલ સર્જ્યું છે. અશોકભાઈની વાડીમાં એક ટિટોડીએ ચાર ઈંડા મૂક્યા હોવાનું જાણવા મળ્યું છે, જે સામાન્ય રીતે દુર્લભ મનાય છે, કારણ કે ટિટોડી સામાન્ય રીતે બે કે ત્રણ ઈંડા મૂકે છે. અને એ પણ ઉનાળુ સિઝનમાં જેના ઉપર વરસાદી પાણીનું અનુમાન પણ લગાવવામાં આવે છે. પરતું આ ઘટના ચોમાસાની ઋતુમાં બની હોવાથી ગામના લોકોમાં આશ્ચર્ય અને ઉત્સુકતા વધી છે. અશોકભાઈએ જણાવ્યું કે, “અમે વાડીમાં રોજનું કામ કરતા હતા. ત્યારે મગફળીના ચાહે ટિટોડીનું માળું જોવા મળ્યું હતું. તેમાં ચાર ઈંડા જોઈને અમે બધા આશ્ચર્યચકિત થઈ ગયા હતા. આવું અગાઉ ક્યારેય જોયું ન હતું.” ગામના વડીલો અને પક્ષી નિરીક્ષકોના મતે, ટિટોડીનું આવું વર્તન પ્રકૃતિની વિશેષતા દર્શાવે છે. કેટલાક લોકો આને શુભ સંકેત પણ માની રહ્યા છે, જ્યારે અન્ય લોકો ચોમાસાની અનુકૂળ પરિસ્થિતિને આનું કારણ ગણાવે છે. ચોમાસાની ભેજવાળી આબોહવા અને પૂરતા ખોરાકની ઉપલબ્ધતાને કારણે ટિટોડી જેવા પક્ષીઓનું પ્રજનન વધુ સફળ બને છે, એવું સ્થાનિક ખેડૂતોનું માનવું છે. આ ઘટનાએ માત્ર મિતાણા ગામમાં જ નહીં, પરંતુ આજુબાજુના વિસ્તારોમાં પણ ચર્ચાનો વિષય બન્યો છે.