મોરબીના લાલપર ગામે રાત્રીના સમયે તબિયત ખરાબ હોવાથી હોસ્પિટલ જવા માટે વાહનની રાહ જોઈ ઉભેલ યુવકને કોઈ અજાણ્યા વાહન ચાલક દ્વારા હડફેટે લઈ અકસ્માત સર્જ્યો હતો, જે અકસ્માતમાં યુવકને માથાના ભાગે તથા શરીરે ગંભીર ઇજા પહોચતા યુવકનું મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માત સર્જી અજાણ્યો વાહન ચાલક પોતાનું વાહન લઈને નાસી ગયો હતો, સમગ્ર અકસ્માતના બનાવ મામલે મૃતક યુવકના પિતાની ફરિયાદને આધારે તાલુકા પોલીસે આરોપી અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે.
મળતી માહિતી મુજબ, મૂળ રકજકોટ જીલ્લાના જામકંડોરણા તાલુકાના સાતુદડ ગામના વતની હાલ લાલપર ગામની સીમમાં તાજ નળીયાના કારખાનાની ઓરડીમાં રહેતા માવજીભાઈ જીવાભાઈ વેગડા ઉવ.૫૮ એ આરોપી અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી કે, ગત તા.૦૭/૦૭ ના રોજ ફરીયાદી માવજીભાઈ તથા તેમના પત્ની પાલુબેન તેમના દીકરા વિજયભાઈ ઉવ.૨૮ ની તબિયત સારી ન હોય જેથી તેઓ તેને રાત્રીના બે વાગ્યે દવાખાને લઈ જવા માટે વાહનની રાહ જોતા હતા ત્યારે વિજયભાઈ ત્યાથી રોડ ઉપર જતો રહેલ હતો, તે સમયે લાલપર શ્યામ હોટલ સામે વાંકાનેર-મોરબી હાઈવે રોડ ઉપર વિજયભાઈને કોઈ અજાણ્યા વાહન ચાલકે પોતાના હવાલા વાળુ વાહન પુર ઝડપે અને ગફલતભરી રીતે ચલાવી ઠોકર મારતા, વિજયભાઈને માથામાં તેમજ પગમાં ઈજા થતા બેભાન થઈ ગયા હતા. જ્યાંથી તેઓને મોરબી સરકારી હોસ્પિટલ ખાતે લઈ જતા હાજર ડોકટરે જોઈ તપાસી વિજયભાઈને મરણ ગયાનું જાહેર કર્યું હતું. હાલ તાલુકા પોલીસે તપાસની તજવીજ હાથ ધરી આરોપી અજાણ્યા વાહન ચાલકને શોધવા ચક્રો ગતિમાન કર્યા છે.