હળવદ તાલુકા આમ આદમી પાર્ટી ટીમ દ્વારા મયુરનગર ગામથી રાયસંગપર તેમજ અન્ય ગામને જોડતા બ્રાહ્મણી નદી પરના પુલને લઇ આમ આદમી પાર્ટીના આગેવાનો અને કાર્યકરો દ્વારા સ્થાનિકો સાથે રામધૂન બોલાવી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. ત્યારે વિરોધ કરી રહેલ આપના આગેવાનો અને કાર્યકરો તથા સ્થાનિકોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે.
આમ આદમી પાર્ટી હળવદ દ્વારા હળવદ તાલુકાના મયુરનગર ગામથી રાયસંગપર તેમજ અન્ય ગામને જોડતો બ્રાહ્મણી નદીનો પુલ (કોઝવે) જે ઘણા વર્ષોથી બંધ હાલતમાં છે. જેને લઇ સ્થાનિકો દ્વારા અનેકવાર તંત્રને રજૂઆતો કરવામાં આવી હતી. તેમ છતાં આ ગામ લોકોની રજૂઆતને તંત્ર દ્વારા ધ્યાનમાં લેવામાં ન આવતા આજ રોજ આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા ગામના લોકોને સાથે રાખીને શાંતિ પૂર્ણ પુલ ઉપર બેસીને ચાલુ વરસાદે રામધૂન બોલાવી હતી. ત્યારે આમ આદમી પાર્ટીના આગેવાનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે, સત્તામાં બેઠેલા અને સત્તાના નશામાં બેરા મૂંગા બની બેઠેલા અધિકારીઓ અને ચૂંટાયેલા પદાધિકારીઓના કાને વાત પહોંચાડવા માટે રામધૂન બોલાવી આ પુલનું કામ તાત્કાલિક ધોરણે કરવાની શક્તિ આપે એવી પ્રાર્થના કરવામાં આવી હતી. પણ સતાધીશો દ્વારા પોલીસને આગળ કરી અને આમ આદમી પાર્ટીના કાર્યકરો અને ગ્રામજનોની અટકાયત કરી હતી. આ તકે આમ આદમી પાર્ટીના તાલુકા પ્રમુખ ચંદુભાઈ મોરી, તાલુકાના પૂર્વ પ્રમુખ હિતેશભાઈ વરમોરા, બાબુભાઈ મકવાણા, હિતેશભાઈ મકવાણા, દેવરાભાઈ સાકરિયા, રોહીતભાઈ, યોગેન્દ્રસિંહ રાણા તેમજ અન્ય કાર્યકરો અને મયુરનગર, ચાડધરા, રાયસંગપરના ગ્રામજનોએ પોલીસની સામે બાથ ભીડી અને તંત્રના કાન સુધી વાત પહોચાડવાના પ્રયાસ કર્યો છે