પતિએ સતત ત્રાસ આપતા માતાએ દીકરાને ઝેરી દવા પીવડાવી પોતે પણ દવા પી લઈને મોત વ્હાલું કર્યું.
વાંકાનેર તાલુકામાં હૃદયદ્રાવક ઘટના મામલે પતિના ત્રાસથી ત્રસ્ત મહિલાએ પોતાના વહાલસોયા દીકરાને ઝેરી દવા પીવડાવી પોતે પણ ઝેરી દવા ગટગટાવી લેતા બન્ને માતા-પુત્રના મૃત્યુ નિપજ્યા હતા, ત્યારે આ મૃત્યુકાંડ બાબતે મરણ જનારના પિતા દ્વારા દીકરી અને દોહિતરને મરવા મજબુર કરનાર વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
વાંકાનેર તાલુકાના ગાંગીયાવદર ગામના રસાભાઇ વેલાભાઇ ડાભી ઉવ.૪૫એ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં આરોપી રમેશ ધરમશીભાઇ ધરજીયા રે.ગાંગીયાવદર તા.વાંકાનેર વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે, ફરીયાદીની દિકરી સુખુબેન ઉર્ફ ભાવુને આરોપીએ પત્ની તરીકે પોતાની સાથે રાખી હતી. ત્યારે આરોપી રમેશ સુખુબેન ઉર્ફે ભાવુ સાથે ઝઘડાઓ કરી દુઃખ ત્રાસ આપતો હોય જેથી કંટાળી એકદમ હતાશ થઈને સુખુબેન ઉર્ફે ભાવુબેને પોતાના વ્હાલસોયા દિકરાને ઝેરી દવા પીવડાવી પોતે પણ ઝેરી દવા પી લઈને આપઘાત કરી લીધો હતો, ત્યારે બન્ને માતા-પુત્રને મરવા મજબુર કરનાર આરોપી વિરુદ્ધની નોંધાવેલ ફરિયાદને આધારે વાંકાનેર તાલુકા પોલીસે આરોપી વિરુદ્ધ બીએનએસ કલમ ૧૦૮ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી, આરોપીની અટકાયત કરવા તજવીજ હાથ ધરી છે