મોરબી શહેરમાં રહેતા એક દંપતી મોટર સાયકલ ઉપર જતા હતા તે દરમિયાન રોડ ઉપર અચાનક દોડી આવેલ એક ઘોડાએ તેમના મોટરસાયકલને પાછળથી ઠોકર મારતા દંપતી રોડ ઉપર પટકાયા હતા. જે અકસ્માતમાં પતિને ગંભીર ઇજાઓ થતાં બે ઓપરેશન કરવા પડ્યાં હતા. ઘટનાને લઈ ભોગ બનનાર દ્વારા ઘોડાના માલીક વિરુદ્ધ બેદરકારી રાખવાની ફરિયાદ નોંધાવતા, પોલીસે આરોપી વિરુદ્ધ બીએનએસની કલમ ૨૯૧ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, મોરબીના શનાળા રોડ હાઉસિંગ બોર્ડ બ્લોક નં.૬૨૩માં રહેતા મૂળ રફાળેશ્વર ગામના વતની રાજેશભાઈ કલ્યાણજીભાઈ ચૌહાણ ઉવ.૪૭ એ એ ડિવિઝન પોલીસ મથકમાં આરોપી યશદીપભાઈ અરવિંદભાઈ પરમાર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે, ગત તા. ૧૬ સપ્ટેમ્બર ૨૦૨૪ના રોજ કોઈ કામ અર્થે પત્ની પિંકુબેન સાથે મોરબીથી વિરપર મોટર સાયકલ રજી.નં. જીજે-૦૩-બીજે-૯૫૯૬ ઉપર જતા હતા તે દરમિયાન મોરબી-રાજકોટ હાઇવે ઉપર આવેલા અજંતા કારખાનાના પાર્કિંગ સામે વૃંદાવન ફાર્મ હાઉસ નજીક એક ઘોડો અચાનક દોડતો દોડતો રોડ ઉપર આવી ગયો અને પાછળથી ધડાકાભેર તેમના મોટર સાયકલ સાથે અથડાઈ ગયો. અકસ્માતની ઘટનાને કારણે પતિ-પત્ની રોડ ઉપર ફંગોળાઈ પડ્યા હતા. અને આ ઘોડો વૃદાવન ફાર્મ હાઉસમાં જતો રહેલ, અકસ્માત બાદ એકઠા થયેલા લોકોએ ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરતા બંને પતિ-પત્નીને મોરબીની ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સારવાર દરમ્યાન રાજેશભાઈના પગમાં પિંડીથી ઢીચણ સુધી ફ્રેક્ચર હોય તેમની બંને સર્જરી કરવી પડી હતી. જ્યારે પત્નીને સામાન્ય ઈજાઓ થઈ હતી.
જે બાદ ઘટના અંગે સીટી એ-ડિવિઝ પોલીસ સ્ટેશન ખાતે આપવામાં આવેલી ફરિયાદ અનુસાર, આ ઘોડો વૃંદાવન ફાર્મ હાઉસવાળા યશદીપભાઈ અરવિંદભાઈ પરમાર રહે.મોરબી વાળાનો હોવાનું સામે આવ્યું છે. ફરિયાદીએ પોતાની ફરિયાદમાં જણાવ્યું કે, ઘોડાના માલીક યશદીપભાઈએ પોતાની માલીકીના ઘોડાને કોઇ પણ દોરડાથી બાંધ્યા વગર છૂટો મૂકી રાખતા ઘોડો દોડીને રોડ ઉપર આવી મારા મોટર સાયકલ સાથે અથડાયો અને અકસ્માત બન્યો હતો, હાલ રાજેશભાઈની ફરિયાદને આધારે પોલીસે આરોપી ઘોડા-માલીક વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ ચલાવી છે.