દેશની સુંદરતા લોકશાહી છે ત્યારે લોકશાહી પર્વની ઉજવણી દેશમાં ચૂંટણીઓ આવે ત્યારે થતી હોય છે. પરંતુ બાળકોને લોકશાહી ઢબની ચૂંટણીનો લાભ 18 વર્ષ બાદ થાય છે. ત્યારે હળવદની જુના અમરાપર શાળામાં નાની વયમાં બાળકોને ચૂંટણીનો એહસાસ અને ચૂંટણી શાખાની કામગીરી શીખી અને સમજી શકે તથા પોતાના મતાધિકારનું મહત્વ સમજી શકે તે માટે બાળ સંસદ ચૂંટણી યોજાઈ હતી. જેમાં વિધાર્થી નેતાની પસંદગી કરાઈ હતી.
હળવદના જુના અમરાપર ખાતે લોકશાહી મૂલ્યોના સિંચન અને વિદ્યાર્થીઓમાં નેતૃત્વના ગુણો વિકસાવવાના ઉદ્દેશ્યથી બાળ સંસદની ચૂંટણીનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. આ ચૂંટણી પ્રક્રિયામાં શાળાના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો, જે ભવિષ્યના નાગરિકોમાં લોકશાહી પ્રત્યેની જાગૃતિ અને પ્રતિબદ્ધતા દર્શાવે છે. આ ચૂંટણીમાં ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓએ વિવિધ પદો જેવા કે પ્રમુખ, મહામંત્રી, પ્રાર્થનામંત્રી, સ્વચ્છતામંત્રી, રમતગમતમંત્રી, બાગાયતમંત્રી, શાળા સલામતી મંત્રી વગેરે માટે ઉમેદવારી નોંધાવી હતી. ઉમેદવારોએ પોતાના ચૂંટણી પ્રચાર દરમિયાન વિદ્યાર્થીઓને શાળાના વિકાસ અને સુધારણા માટેના પોતાના દ્રષ્ટિકોણ અને યોજનાઓ વિશે માહિતગાર કર્યા હતા. મતદારોએ ડિજિટલ વોટિંગ મશીન દ્વારા મતદાન કર્યું હતું. ચૂંટણી પ્રક્રિયા સંપૂર્ણપણે પારદર્શક અને નિષ્પક્ષ રીતે હાથ ધરવામાં આવી હતી.
વિદ્યાર્થીઓએ ગુપ્ત મતદાન દ્વારા પોતાના મનપસંદ ઉમેદવારોને ચૂંટ્યા હતા. આખી પ્રક્રિયા શાળાના શિક્ષકો પ્રવીણભાઈ, અશ્વિનભાઈ, મગનભાઈ, જયેશભાઈ અને જિજ્ઞાસાબેનના માર્ગદર્શન હેઠળ સંપન્ન થઈ હતી, જેમણે વિદ્યાર્થીઓને લોકશાહીના મહત્વ અને મતદાનના અધિકાર વિશે સમજાવ્યું હતું. આ પ્રસંગે શાળાના આચાર્ય વાઘેલા અમરશીભાઈએ જણાવ્યું હતું કે, “બાળ સંસદની રચના વિદ્યાર્થીઓને નાનપણથી જ લોકશાહી પ્રક્રિયા, જવાબદારી અને નેતૃત્વના ગુણો શીખવે છે.
આનાથી તેઓ ભવિષ્યમાં વધુ સારા અને જવાબદાર નાગરિક બની શકશે.” વિવિધ સમિતિના મંત્રીઓ દ્વારા મહામંત્રી તરીકે જગદીશ અને પ્રમુખ તરીકે દ્રષ્ટિને પસંદ કરવામાં આવ્યા હતા. બાળ સંસદના નવનિયુક્ત સભ્યો પાસેથી શાળાના શૈક્ષણિક અને સહ-શૈક્ષણિક વાતાવરણને વધુ સુધારવા માટે સક્રિય યોગદાનની અપેક્ષા સાથે ચુંટણી પ્રક્રિયા સંપન્ન થઇ હતી.