મોરબી-૨ માં મધુવન સોસાયટી, ન્યુ રીલીફનગર અને શાંતિવન સોસાયટી રણછોડનગર એમ ત્રણ અલગ અલગ એરિયાના ઘરફોડ ચોરી.
મોરબીમાં તસ્કરોએ હાહાકાર મચાવ્યો હોય તેમ એક જ રાતમાં અલગ અલગ ત્રણ ઘરને નિશાન બનાવી ઘરફોડ ચોરીને અંજામ આપ્યો છે,જેમાં મોરબી-૨ વિસ્તારમાં મધુવન સોસાયટી, ન્યુ રીલીફનગર તેમજ શાંતિવન સોસાયટી રણછોડનગરમાં આવેલ રહેણાંક મકાનના દરવાજાના નકુચા તોડી ત્રણેય ઘરમાંથી સોના-ચાંદીનાના દાગીના તેમજ રોકડ રકમ સહિત રૂ.૧.૯૬ લાખની માલમત્તાની ચોરી થઈ હોવાની ઘટનાને લઈને શહેરના સામાકાંઠા વિસ્તારમાં ચકચાર મચી ગયો છે, હાલ સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ત્રણેય ઘરફોડ ચોરી અંગે એકસાથે ફરિયાદ નોંધાતા, પોલીસે અજાણ્યા ચોર ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી અલગ અલગ દિશાના તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, મોરબી-૨ મધુવન સોસાયટી મકાન નં.એ-૩૩ માં રહેતા દીપકભાઈ ધીરજલાલ દલીચા ઉવ.૬૭ એ સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં અજાણ્યા ચોર ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી જાહેર કર્યું કે, ગઈ તા.૨૩/૦૭ની રાત્રીના ૧૦ વાગ્યાથી ૨૪/૦૭ સવારના ૬ વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન ફરિયાદી દીપકભાઈ દલીચા તથા તેમના મિત્ર દીપકભાઈ મહેતા રહે.ન્યુ રીલીફનગર તેમજ રામજીભાઈ પરમાર રહે. શાંતિવન સોસાયટી રણછોડનગર એમ ત્રણ ઘરોમાં ચોરીની ઘટના બની હતી, જેમાં ફરિયાદી દીપકભાઈ મધુવન સોસાયટીના રહેણાંકમાં પોતાના પત્ની અને પુત્ર સાથે ઉપરના માળે સુતા હોય તે દરમિયાન તસ્કરોએ નીચે મેઈન દરવાજાના નકુચા તોડી ઘરમાં પ્રવેશ કરી રૂમમાં કબાટમાં રાખેલ સોનાના આશરે ૭૦ ગ્રામ દાગીના તથા રોકડા ૪૦ હજારની ચોરી કરી લઈ ગયા હતા, જ્યારે તેમના મિત્ર દીપકભાઈ પ્રભુલાલભાઈ મહેતા રહે. મકાન નં.૧૮૧ ન્યુ રીલીફનગર વાળાના ઘરમાંથી સોના-ચાંદીના દાગીના તથા રોકડા ૫ હજારની ચોરી થઈ હોય, આ સિવાય શાંતિવન સોસાયટી રણછોડનગર નવલખી રોડ મોરબી-૨ માં રહેતા રામજીભાઈ માવજીભાઈ પરમારના મકાનમાં પણ તસ્કરો રોકડા ૩ હજાર તથા સોના ચાંદીના દાગીનાની ચોરી કરીને લઈ ગયા હોય, જે ત્રણેય મકાનમાંથી કુલ ૧,૯૬,૦૦૦/-ના સોના-ચાંદીના ઘરેણાં તેમજ રોકડા રૂપિયાની ચોરી થઈ હતી. હાલ બી ડિવિઝન પોલીસે અજાણ્યા ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ ચલાવી છે