ટંકારા તાલુકાના વિરપર ગામ નજીક આવેલ શ્રેયા ઘડિયાળના કારખાનામાં પાર્સલ લેવા-મુકવા આવતા બે કુરિયર કર્મચારીઓને માર મારી, જાનથી મારી નાખવાની ધમકી આપ્યા અંગેનો બનાવ સામે આવ્યો છે, જેમાં કુરિયર સર્વિસના કર્મચારી કારખાનાનું પાર્સલ ઓફીસ બહાર રાખીને જતા રહ્યા હોય તે બાબતે બન્ને કુરિયર સર્વિસના કર્મચારીઓને બેફામ માર મારી, જાનથી મારી નાખવાની ધમકી આપતા કારખાનાના માલીક વિરુદ્ધ ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
ટંકારા તાલુકાના વિરપર ગામની સીમ, ટંકારા-મોરબી હાઇવે પર આવેલ શ્રેયા ઘડીયાળના કારખાનામાં, પાર્સલની ડિલીવરીના મુદ્દે કુરિયર સર્વિસના બે કર્મચારીઓ સાથે કારખાનાના માલીક દ્વારા બોલાચાલી ઝઘડો થયો હતો. જે અંગે કુરિયર સર્વિસના કર્મચારી શ્રીકાંતભાઈ વાસુદેવભાઈ વૈષ્ણવ ઉવ.૪૬ રહે. હાલ ગુજરાત હાઉસિંગ બોર્ડ શનાળા રોડ મકાન નં.૪૦૫ મૂળ રહે. કતાર ગામ સુરત શહેર વાળાએ શ્રેયા ઘડિયાળના કારખાનાના માલીક રાકેશભાઈ પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી જણાવાયું હતું કે, ગત તા.૨૪/૦૭ના રોજ સાંજે શ્રીકાંત ભાઈ અને અન્ય એક કર્મચારી શ્રેયા ઘડિયાળના કારખાનામાં પાર્સલ આપવા માટે ગયા હતા, ત્યારે કારખાનાના માલિક રાકેશભાઈ પટેલે બન્નેને કહ્યું કે “પરમ દિવસે પાર્સલ ઓફિસની બહાર કેમ મુકીને ગયા હતા?” જ્યારે ફરિયાદીએ જવાબ આપ્યો કે “તમને પાર્સલ મળી ગયેલું છે”, ત્યારે આરોપીએ ગુસ્સામાં આવીને બંનેને ગાળો આપી, ફરિયાદીને ગાલ પર થપ્પડ મારી, અને કાનના અંદરના ભાગે ઈજા કરી. સાક્ષીને પણ માર મારી માથામાં ઈજા પહોંચાડવામાં આવી હતી, અને કહ્યું કે, હોવી પછી આખી ભૂલ થશે તો જીવતા નહિ જવા દઉં જેવી ધમકી આપી હતી. હાલ ટંકારા પોલીસે આરોપી રાકેશ પટેલ વિરુદ્ધ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે