રાજકોટ મોરબી હાઇવે ઉપર ટંકારા નજીક રાજકોટની આંગડિયા પેઢીના વાહનને આંતરી રૂપિયા ૯૦ લાખ રોકડની લૂંટના ચકચારી બનાવમાં ટંકારા પોલીસ દ્વારા વધુ એક આરોપીની જામનગર ખાતેથી ધરપકડ કરવામાં આવી છે.
ગત તા. ૨૧ મેના રોજ રાજકોટથી ટી એન્ટરપ્રાઈઝ આંગડીયા પેઢીના બે કર્મચારી નીલેશ ભાલોડી અને જયસુખ ફેફર બંને રોકડ રૂપિયા લઈને ગાડીમાં મોરબી જતા હતા, રાજકોટ મોરબી હાઇવે ઉપર ટંકારા નજીક ખજુરા હોટલ પાસે ત્યારે કારનો પીછો કરી વાહનને આંતરી લાકડાના ધોકા, પાઇપ વડે હુમલો કરી 90 લાખની રોકડ લૂંટી આરોપીઓ નાસી ગયા હતા. જે અંગે રાજકોટમાં અંબીકા ટાઉનશિપમાં રહેતા કર્મચારી નિલેશ મનસુખભાઈ ભાલોડીએ સાતેક અજાણ્યા ઇસમો વિરૂદ્ધ ટંકારા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જેથી પોલીસે સી.સી. ટીવી ફૂટેજ અને નાકાબંધીના આધારે અભિભાઇ લાલાભાઇ અલગોતર, અભીજીતભાઇ ભાવેશભાઇ ભાર્ગવ, દિગ્વિજય અમરશીભાઇ ઢેઢી, હિતેષભાઇ પાંચાભાઇ ચાવડા ભરવાડ, મેહુલ ઉર્ફે કાનો આહિર ધીરૂભાઇ બલદાણીયા તથા નિકુલ કાનાભાઈ અલગોતરની અટકાયત કરી હતી. જયારે GJ-01-RE-7578 નંબરની ફોકસવેગન કારમાં અન્ય આરોપીઓ નાસી છૂટ્યા હતા. જે આરોપીઓ પૈકી અલ્પેશસિંહ ઉર્ફે અલ્પેશ જોગરાણા કનુભા પરમાર નાસતો ફરતો હતો. જે આરોપી જામનગર ખાતે હોવાની ટંકારા પોલીસને બાતમી મળતા ટંકારા પોલીસે જામનગર ખાતે પોલીસ ટીમ સાથે રહેણાંક મકાને ઝડતી કરતા આરોપી અલ્પેશસિંહ ઉર્ફે અલ્પેશ જોગરાણા કનુભા પરમારની ખરાઈ કરી આરોપી અલ્પેશસિંહ ઉર્ફે અલ્પેશ જોગરાણા કનુભા પરમારની ગુનામા ગયેલ રોકડ રૂપીયા મુદામાલ સાથે મળી આવતા ટંકારા પોલીસ દ્વારા આરોપીની અટકાયત કરી તેના રીમાન્ડ મંજુર થતા અલગ-અલગ દીશામા તપાસ તજવીજ હાથ ધરવામાં આવી છે