અમદાવાદ પોલીસને ઊંઘતી રાખી SMC પોલીસ દ્વારા મૌલાના આઝાદ સોસાયટી પાસે દરોડો પાડવામાં આવ્યો હતો અને SOG પોલીસ સ્ટેશન સામેથી જ એક શખ્સને મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે પકડી પાડવામાં આવ્યો છે.જયારે એક શખ્સ સ્થળ પર હાજર ના મળતા તેને વોન્ટેડ જાહેર કરી આરોપીને પકડવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.
મળતી માહિતી અનુસાર, સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા આજ રોજ બાતમીના આધારે અમદાવાદનાં જુહાપુરા વિસ્તારમાં આવેલ SOG પોલીસ સ્ટેશન સામે મૌલાના આઝાદ સોસાયટીના ગેટ પર રેઈડ કરી હતી અને મોહમ્મદ શહેઝાદ ઉર્ફે શૈજુ મોહમ્મદ હનીફ મન્સુરી નામના શખ્સને રૂ.૩,૪૨,૩૦૦/-ની કિંમતના ૩૪.૨૩૦ ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ જથ્થા સાથે પકડી પાડવામાં આવ્યો છે. તેમજ આરોપી પાસેથી રૂ.૫૦૦૦/-નો એક મોબાઈલ તથા રૂ. -૩૦,૦૦૦/-ની કિંમતનું એક ટુ વ્હીલર મળી કુલ રૂ.૩,૭૭,૩૦૦ નો મુદ્દમાલ કબ્જે કરવામાં આવ્યો છે. ત્યારે આરોપીની પૂછપરછ દરમિયાન રાહિલ નામના શખ્સનું નામ ખુલતા તેને વોન્ટેડ જાહેર કરી આરોપીઓ વિરુદ્ધ SMC પોલીસ સ્ટેશનમાં NDPS અધિનિયમ: 8(C), 22(B), 29 અને ભારતીય ન્યાય સંહિતા -2023 કલમ- 111(3)(4) મુજબ ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આરોપી વિરુધ્ધ અગાઉ ભુજ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ડ્રગ્સના ગુન્હામાં પકડાઈ ચૂકેલ છે